- વાઘોડિયા રોડ પર રહેતા ફેક્ટરી માલિકને બેંકમાંથી 1 લાખના ટ્રાન્ઝેક્શનના વેરિફિકેશન માટે ફોન આવતા તેમણે સાયબર પોર્ટલ પર અરજી કરી હતી
દેશની આંતરિક સુરક્ષા માટે જોખમી એવા ડુપ્લિકેટ આધારકાર્ડ તૈયાર કરવાના કૌભાંડનો વડોદરા સાયબર સેલે પર્દાફાશ કર્યો છે. પોલીસે એક જ ફોટાવાળા ત્રણ આધાર કાર્ડ સાથે રાહુલ વાઘેલાને ઝડપી પાડી નેટવર્કની તપાસ હાથ ધરી છે.
- વડોદરા સાયબર સેલે ટ્રાન્સફર થયેલા પાંચ અલગ-અલગ બેંક એકાઉન્ટ તપાસતા રજિસ્ટર થયેલા તમામ મોબાઇલ નંબર જુદા-જુદા હતા
વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા હિરલ પટેલ નામના એક ફેક્ટરી માલિકનો મોબાઇલ પર બેન્કમાંથી રૂપિયા 1 લાખના ટ્રાન્ઝેક્શનના વેરિફિકેશન માટે ફોન આવતાં તેઓ ચોંક્યા હતા અને સાયબર પોર્ટલ પર જાણ કરી હતી. આ અરજીની તપાસ વડોદરા સાયબર સેલને મોકલવામાં આવી હતી. જેથી એસીપી હાર્દિક માંકડિયાએ ટીમ બનાવી બેન્ક ખાતાની તપાસ કરાવતાં પાંચ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ૨.૭૫ લાખ ટ્રાન્સફર થયા હોવાની માહિતી મળી હતી. આ બેન્ક એકાઉન્ટની ડીટેઇલ તપાસતાં તેમાં રાહુલ મનસુખલાલ વાઘેલા (આર્ય વિલા, આનંદ પાર્ટી પ્લોટ, ન્યુ રાણીપ, અમદાવાદ)ની વિગતો મળી હતી. પરંતુ બેન્ક એકાઉન્ટમાં રજિસ્ટર થયેલા મોબાઇલ નંબર અલગ-અલગ હતા. પોલીસે જુદા-જુદા સિમકાર્ડની ડીટેઇલ તપાસતાં દરેકમાં ફોટો રાહુલનો હતો પરંતુ નામો અલગ-અલગ હતા. જેથી પોલીસે તપાસ કરતાં રાહુલે પોતાનો ફોટો મુકાવી જુદા-જુદા નામના ત્રણ આધારકાર્ડ બનાવ્યા હોવાની વિગતો ખૂલી હતી.
- પોલીસે જુદા-જુદા સિમકાર્ડની ડીટેઇલ તપાસ કરતાં દરેક સિમકાર્ડ એક જ ફોટોવાળા વ્યક્તિના આધારકાર્ડથી ખરીદાયા હતા, પણ નામો અલગ હતા
રાહુલ વાઘેલાના નામે બનેલા આધારકાર્ડને આધારે 29 સિમકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાની માહિતી બહાર આવી છે. જ્યારે, રાહુલ વાઘેલા મોબાઇલ ડિસ્ટ્રિબ્યુટર પાસે જઇને લાઇવ ફોટો આપીને સિમકાર્ડ મેળવતો હોવાની પણ વિગતો પ્રાપ્ત થઇ છે. જેથી પોલીસે તેને રિમાન્ડ પર લેવાની તજવીજ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ડુપ્લિકેટ આધારકાર્ડ દેશની આંતરિક સુરક્ષા માટે પણ જોખમી હોવાને કારણે તેને તૈયાર કરવાના નેટવર્કની તપાસ પોલીસ માટે મહત્વની બની છે. રાહુલ વાઘેલાએ પોતાના ફોટાનો ઉપયોગ કરી ડુપ્લિકેટ આધારકાર્ડ કોની પાસે બનાવડાવ્યા, ક્યાં બનાવ્યા અને આવા કેટલા આધારકાર્ડ બન્યા છે તે મુદ્દે તપાસનો વિષય હોવાથી પોલીસે રાહુલની પૂછપરછ જારી રાખી છે.