- મહિલાએ મ્યુઝિક સિસ્ટમ પડાવી લેનાર સામે અરજી આપી હતી..!
- અધિકારીએ મ્યુઝિક સિસ્ટમ પડાવી લેનારને ધમકાવ્યો ત્યારે એ સામો થયો અને થોડા દિવસ બાદ ધારાસભ્યના ભાઈને લઈને આવ્યો તો પોલીસ પાણીમાં બેસી ગઈ..!!
- મહિલાએ પોલીસના વર્તન સામે પોલીસ ભવન રજુઆત કરી તો પોલીસે બોલાવી ફરી ધમકાવ્યા..!
શહેરના એક પોલીસ મથકમાં એક પ્રોઢાને પોલીસનો સત્તા આગળ શરણાગતી કરતો કડવો અનુભવ થયો હતો. મહિલાએ આરોપી તરફેણ કરી રહેલી પોલીસની ફરિયાદ પોલીસ ભવન ખાતે કરી તો તેમને પોલીસ સ્ટેશન બોલાવી એક ફોજદારે ધમકાવ્યા હતા.
“પોલીસ પ્રજાનો મિત્ર છે’ એવો દાવો કરતા અધિકારીઓને પોલીસની વર્તણુક વિશે ખરેખર કેટલું જ્ઞાન હોય છે ? બંધ બારણે પોલીસ શું કરે છે એ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે ખરું ? કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તેમની સત્તાનો દૂર ઉપયોગ કરવા ટેવાઈ જાય છે. તાજેતરમાં એક પોલીસ મથકમાં એક પ્રોઢા તેમની ફરિયાદ લઈને પોલીસ મથકે પહોંચ્યા. મહિલાની ફરિયાદ હતી કે શહેરના દક્ષિણ છેડે આવેલા તાલુકામાં રહેતા વ્યક્તિએ સારા સબંધોનો ફાયદો ઉઠાવી તેમનું મ્યુઝિક સિસ્ટમ લઈ ગયા હતા અને બદલામાં ભાડુ ચૂકવવાનું નક્કી થયું હતું. જો કે એક વર્ષ સુધી મ્યુઝિક સિસ્ટમ લઈ જનારે ભાડુ પણ ના ચૂકવ્યું અને રૂપિયા દશ લાખ ની કિંમતનું મ્યુઝિક સિસ્ટમ પાછુ આપવાની પણ ધરાર ના પાડી દીધી. છેવટે મહિલા પોલીસ મથકે જઈ એક અધિકારીને મળ્યા. અધિકારીએ મ્યુઝિક સિસ્ટમ પડાવી લેનારને બોલાવી ધમકાવ્યો હતો. જો કે મ્યુઝિક સિસ્ટમ પડાવી લેનાર અધિકારી સાથે ઉંચા અવાજે વાત કરીને સામો થયો હતો. અધિકારીએ તેને કાઢી મુક્યો હતો.
અધિકારીએ મહિલાને કહ્યું કે “તમે સ્ટ્રોંગ રહેજો હવે ફરિયાદ લઈ આને સીધો કરી દઈશ.” મહિલા ખુશ થઈ પાછા ફર્યા. થોડા દિવસ પછી પોલીસે મહિલાને પોલીસ સ્ટેશન બોલાવ્યા. મહિલાફરી એકવાર પોલીસ સ્ટેશને જતાં ત્યાં અગાઉથી જ મ્યુઝિક સિસ્ટમ પડાવી લેનાર હાજર હતો અને તેની સાથે એક ધારાસભ્યનો ભાઈ પણ હતો. મહિલા જેવા અધિકારી સમક્ષ ગયા તો અધિકારીનું વર્તન બદલાઈ ગયું.
અધિકારી મહિલા પર તાડુક્યા હતા. તેમણે મહિલાને ધમકાવતા હોય તેમ જણાવ્યું હતું કે, “તમે બે લાખ લઈ સમાધાન કરી લો, નહીં તો હું મ્યુઝિક સિસ્ટમ જમા લઈશ તો તમારે કોર્ટમાંથી છોડાવવું પડશે અને ત્યાં સુધી તમારું મ્યુઝિક સિસ્ટમ ભંગાર થઈ જશે.” મહિલા અધિકારીનું બદલાયેલું વર્તન જોઈ ચોંકી ઉઠ્યા હતા. પોલીસ મથકમાં તેમને ઉભા રાખવામાં આવ્યા હતા અને મ્યુઝિક સિસ્ટમ પડાવી લેનાર અને ધારાસભ્યના ભાઈ તેમની સામે જ અધિકારી સામે બેસીને ચા ની ચુસ્કી મારી રહ્યા હતા. મહિલા વીલા મોઢે પાછા ફર્યા હતા.
મહિલાએ છેવટે પોલીસ ભવન જઈ રજુઆત કરી હતી. પોલીસભવનથી તેમને પાછા પોલીસ મથકે જવાનું કહેવામાં આવ્યું હતું. મહિલા પાછા પોલીસ મથકે પહોંચતા એક ફોજદારે તેમને પોલીસ ભવન કેમ ગયા એમ કહી ધમકાવ્યા હતા. થોડા દિવસ અચાનક મ્યુઝિક સિસ્ટમ પડાવી લેનાર વ્યક્તિ, મહિલાના કારખાને મ્યુઝિક સિસ્ટમ મુકી ગયો હતો. મ્યુઝિક સિસ્ટમ જે હાલતમાં આપ્યું હતું એ પરિસ્થિતિમાં ન હતું. પોલીસ અધિકારીની હાજરીમા મ્યુઝિક સિસ્ટમ પરત મુકાયું, પરંતુ પોલીસે પંચ કેસ શુદ્ધા કર્યો નહીં અને જતી રહી. આમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાને બદલે પોલીસ સત્તા આગળ ઢળી પડી.
અહીં સવાલ એ છે કે પ્રોઢ મહિલા સાથે ‘તું- તા’ થી વાત કરી અપમાનિત કરવા એ જ પોલીસના સંસ્કાર છે ? શરૂઆતમાં મદદરૂપ થવા તૈયાર થયેલી પોલીસ ધારાસભ્યના ભાઈની એન્ટ્રી પડતાં જ કેમ પલ્ટી ગઈ ? અહીં સવાલ એ છે કે શું કાયદો સત્તા આગળ પાંગળો થઈ જાય છે ? પોલીસ ભવન રજુઆત કરવી એ ગુન્હો છે ? આમ મહિલાની ફરિયાદ લઈ કાર્યવાહી કરવાને બદલે પોલીસ સામે થયેલા અને મ્યુઝિક સિસ્ટમ પડાવી લેનાર વ્યક્તિની તરફેણ કરતું વિચિત્ર વર્તન ચર્ચાનો વિષય બન્યો હતો.