- આજે સવારે પાણી વિતરણ કરાયા બાદ 600મી વ્યાસની ડિલિવરી લાઈનમાં જોડાણની કામગીરી શરૂ કરાઇ, આવતીકાલે સાંજે મોડેથી પાણી અપાશે
શહેરમાં પાણી પુરવઠા શાખા દ્વારા માંજલપુર વિસ્તારમાં પાણીની ડિલિવરી લાઈનના જોડાણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે લાલબાગ કમાન્ડ વિસ્તારના 50 હજાર લોકોને આજે અને આવતીકાલે પાણી વિતરણ કરવામાં નહીં આવે. બે દિવસ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
વડોદરા શહેરમાં લીલાશવાળું અને માટીવાળું પાણી મળતું હોવાની અનેક ફરિયાદો ઊઠી રહી છે. તેમજ અનેક વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણી આવી રહ્યું છે. ત્યારે વડોદરા પાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવી છે. જેને પગલે આજથી બે દિવસ 50 હજાર લોકોને પાણી નહીં મળે. લાલબાગ બ્રિજ પાસે તથા માંજલપુર શ્રેયસ સ્કૂલની સામે પાલિકા દ્વારા 600મી વ્યાસની ડિલિવરી લાઈનના જોડાણની કામગીરી કરવામાં આવી રહી છે.
આજે સવારે પાણી વિતરણ કર્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના પગલે લાલબાગ ટાંકીથી પાણી મેળવતા વિસ્તારમાં આજે સાંજે અને બુધવારે સવારે પાણી વિતરણ કરવામાં નહીં આવે. આ ઉપરાંત આવતીકાલે બુધવારના રોજ સાંજના સમયે વિતરણ કરાતું પાણી મોડેથી, ઓછા સમય માટે અને ઓછા પ્રેશરથી આપવામાં આવશે.
વડોદરા પાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે, વારંવાર પાણીની લાઈન લીકેજ થતી હોવાથી અહીં પાણીની નવી લાઈન નાખવામાં આવી છે, જેના તમામ કનેક્શનનો ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે, જેથી પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે 50,000 લોકોને અસર થશે.
ઉલ્લેખનીય છે કે, શહેરના ગોરવા, સુભાનપુરા અને ઈલોરાપાર્ક વિસ્તારમાં પાણી ડહોળું આવતું હોવાની અનેક ફરિયાદ ઊઠી હતી. મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરી ઉકેલ લાવવા માગ કરી હતી. ત્યારે પાલિકાએ ડહોળું પાણી આવતું હોવાથી ઉકાળીને, ગાળીને અને ફટકડી નાખીને પીવા અપીલ કરી હતી. બીજી તરફ પાણીની લાઈન, ભંગાણની તપાસ કરાઈ હતી. જોકેફોલ્ટ નહીં મળતાં અંતે પોઈચા ઈન્ટેક વેલમાં એક્સપર્ટ ડાઈવર્સ ઉતારી તપાસ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, મહીસાગર નદીમાંથી પાણી લીલું આવતું હોવાથી પણ અનેક બૂમો ઊઠ્યા બાદ તંત્રે નમૂના લેબોરેટરીમાં મોકલી પાણી પીવાલાયક જાહેર કરતાં ભારે વિવાદ થયો હતો.