- સયાજી હોસ્પિટલમાં હાલ કોઈ પોઝીટીવ દર્દી નથી, પરંતુ નિયમિત ટેસ્ટિંગ કરાઇ છે : RMO
- ગોત્રી હોસ્પિટલમાં પણ આ બાબતે તૈયારીઓ કરાઈ
સમગ્ર રાજ્યમાં કોરોનાનો નવા વેરિઅન્ટને લઇ ફરી દહેશત ફેલાઈ છે. વધતાં જતાં કેસોને પગલે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં નોંધાયેલા બે કોરોનાના કેસોને પગલે હવે સરકાર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. ત્યારે વડોદરામાં પણ કોરોનાને પગલે સાવચેતીના ભાગ રૂપે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં હાલમાં કોઈ પોઝીટીવ દર્દી મળ્યું નથી, પરંતુ નિયમિત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે ગોત્રી હોસ્પિટલમાં પણ આ બાબતે તૈયારીઓ કરાઈ છે.
આ અંગે સયાજી હોસ્પિટલના આર.એમ.ઓ ડો. ડી.કે. હેલૈયાએ જણાવ્યું હતું કે, કોરોનાની ગાઈડલાઈન આગળના પ્રથમ અને બીજા વેવ જેવી જ હોય છે. તેમાં જે નવો વેરિઅન્ટ કહો છો તે એક સાયન્ટિફિક નામ આપવામાં આવ્યું છે. જ્યારે દર્દીમાં આ વાયરસના લક્ષણો જણાય તો તેને તે રીતે ટ્રીટમેન્ટ કરવાની હોય છે. આ બાબતે ટેસ્ટિંગ લેબોરેટરીમાં થતા હોય અને ત્યાં આ બધું નક્કી થતું હોય છે. તેના વેરિયન્ટ પ્રમાણે તેની કામગીરી કરવાની હોય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારે પેશન્ટ મેનેજમેન્ટ પ્રમાણે હોસ્પિટલમાં તૈયારી કરવાની હોય છે. સરકાર દ્વારા અગાઉ પણ આદેશ કરવામાં આવ્યો હતો અને ફરી હમણાં આદેશ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં અમારી પૂરેપૂરી તૈયારી છે. આજની તારીખમાં અમારી પાસે 26 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર છે. સાથે ખાસ કરીને ઓક્સિજનની જરૂર પડતી હોય છે અને જે બીજા વેવમાં ખૂબ જરૂર પડી હતી. તે પ્રમાણે અમારી પાસે 40 હજાર લીટર ઓક્સિજનની તૈયારી છે, બે પ્લાન્ટ કાર્યરત છે. અમારી પાસે જે ઓક્સિજનના સિલિન્ડર આવે છે તે પણ જરૂરિયાત મુજબ છે. આ સાથે જો કોરોના વધુ સ્વરૂપ ધારણ કરે તો ઓક્સિજન સાથે વેન્ટિલેટરની પણ પૂરતી વ્યવસ્થા અમારી પાસે ઉપલબ્ધ છે, તેની ચકાસણી પણ કરી લેવામાં આવી છે.
વધુમાં જણાવ્યું કે, અમારી પાસે કોરોનાના પ્રથમ અને બીજા વેવનો અનુભવ છે તે પ્રમાણે અમે તાત્કાલિક બેડ ઉભા કર્યા હતા. આજની તારીખમાં પણ તેની સાધન સામગ્રી ઉપલબ્ધ છે અને જગ્યા પણ નક્કી કરેલી છે. અમારી પાસે માનવ બળ પણ તૈયાર છે. અમારી પાસે મેડિકલ કોલેજ છે, તેમાં પ્રોફેસર, રેસિડેન્ટ ડોક્ટર અને પેરામેડીક સ્ટાફ પૂરતો છે, તે તમામ સ્ટાફ અનુભવી છે. અમારું સતત મોનીટરીંગ ચાલુ છે અને જેટલા પણ પેશન્ટ આવે તેટલા દર્દીઓનું ટેસ્ટિંગ ચાલુ છે. હાલ સુધીમાં એક પણ પોઝીટીવ કેસ આવ્યો નથી. રોજે રોજ મોનીટરીંગ અને મિટિંગ કરવામાં આવે છે. સરકાર દ્વારા જે કઈ આદેશો આવે છે તે પ્રમાણે તમામને કાર્યરત રહેવા જણાવીએ છીએ.