- ન્યુ વીઆઈપી રોડ પર રહેતો યુવક રિક્ષામાં આવી રહ્યો તે દરમિયાન 12 લોકોના ટોળાએ યુવક પર લાકડીઓ પાવડાનો હાથો, પાઈપો તથા કટાર વડે હુમલો કર્યો હતો
શહેરના ન્યુ વીઆઈપી રોડ પર રહેતા યુવક રિક્ષામાં બેસીને આવી રહ્યો હતો. તે દરમિયાન થયેલા ઝઘડા તથા ફરિયાદની અદાવતે 12 લોકોના ટોળા દ્વારા યુવક પર લાકડીઓ પાવડાનો હાથો, પાઈપો તથા કટાર વડે હુમલો કર્યો હતો. લોહી લુહાણ હાલતમાં યુવકને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે એસએસજીમાં ખસેડાયો હતો. યુવકની ફરિયાદના આધારે હરણી પોલીસે 12 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાં પાંજરાપોળ રોડ ઉપર આવેલા વુડાના મકાનમાં રહેતા નગીનભાઈ કાંતિભાઇ દેતાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 23 ઓગસ્ટના રોજ સવારના સમયે હું મારા ઘરેથી નિકળી સમાજના ભોળાભાઈ કાંતિભાઈ દેવીપુજક પાસેથી મે ઉછિના પૈસા લીધેલા હોય તેમને પૈસા આપવા માટે જતો હતો. તે વખતે બનારસી પાન પાંજરાપોળ રોડ નજીક રિક્ષામા બેસી આવતા સવારના આશરે 10.30 વાગ્યાના સુમારે અમારે અગાઉ મારી પત્નિએ આપેલી ફરિયાદ તેમજ થયેલા ઝઘડાની અદાવત રાખી સુરેશ બાબુ દેવીપુજક, દિનેશ બાબુ દેવીપુજક કિશન હરખા દેવીપુજક, અર્જુન કિશન દેવીપુજક, સંજય રશિક દેવીપુજક, કાલુ ગોપાલ દેવીપુજક (તમામ રહે-લિમડી ફળિયુ બનારસી પાનની ગલીમાં પાંજરાપોળ) હાથમા પાઈપો, લાકડી તેમજ પાવડાના લાકડાના હાથા લઇને મારી રિક્ષાની આગળ આવી ગયા હતા. જેથી હુ રિક્ષામાથી કુદીને નાસવા જતા સામેથી સની, લાલો, બાબુ હરખા દેવી પુજક તથા તેઓની છોકરીઓ તેજલ સની દેવીપુજક, આશા પાલા દેવીપુજક તથા કવિતા બાબુ દેવીપુજક દોડી આવી દિનેશે મારા માળામાં પાઈપનો ફુટકો મારી દીધો હતો. જેના કારણે મને ચક્કર આવતા જમીન પર ફસાઈ પડ્યો હતો ત્યારે આ તમામ લોકોએ મારા પર લાકડિઓ, પાઇપો તથા પાવડા ના હાથા વડે હુમલો કર્યો હતો. જ્યારે સુરેશ બાબુ દેવીપુજકે લગ્નની કટારનો ઘા માર્યો હતો. મેં લોહી લુહાણ હાલતમાં હોય મારી પાસે રૂપિયા 55 હજાર હતા તથા મોબાઈલ કાઢી લીધો હતો. કોઈએ 108 એમ્બ્યુલન્સ બોલાવી લેતા મને તેમાં બેસાડી લોહી લુહાણ હાલતમાં એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હરણી પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.