રાજમાર્ગો પર કેબલ વાયરોના જંગલ દૂર કરવાના આદેશનું ધરાર ઉલ્લંઘન

મ્યુનિસિપલ કમિશનરના આદેશને પાલિકાના અધિકારીઓ ધોળીને પી ગયા..!

MailVadodara.com - Violation-of-order-to-clear-forest-of-cable-wires-on-highways

- મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ઓવરબ્રિજ અને લાઈટના થાંભલા પર ગેરકાયદેસર રીતે લાગેલા કેબલ વાયરો કાપવાનો આદેશ આઠ માસ અગાઉ કર્યો હતો

- દિલીપ રાણાએ બે માસ અગાઉ ફરી આદેશ કર્યો, પરતું અધિકારીઓ આદેશનું પાલન નહીં કરવા કટીબદ્ધ..!

- લારી ગલ્લાના દબાણો સામે છાતી ફુલાવતા અધિકારીઓ અને સાશકો કેબલ ઓપરેટર સામે ઘૂંટણીયે પડ્યા..?

- ચોમાસામાં પાણી ભરાયું હોય અને સડક પર પડેલા કેબલને કારણે બાઈક ચાલક ફસાઈ જાય તો કલ્પના કરો શું થાય..?


વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરના આદેશને ધોળીને પી જાય છે એનો બોલતો પુરાવો પ્રકાશમાં આવ્યો છે. શહેરના રાજમાર્ગો પર જીવલેણ સાબિત થાય એવા કેબલના વાયરો હટાવવાના કમિશનરના આદેશના આઠ મહિના બાદ પણ અધિકારીઓ નિંદ્રાધીન છે. હંમેશાની જેમ કોઈ દુર્ઘટના બાદ પાલિકા તંત્ર જાગશે..?


         વડોદરા મહાનગર પાલિકાના ભ્રષ્ટાચારથી ખદબદતા વહીવટના પાપે શહેરમાં જાનમાલને ભારે નુકશાન થયું હોય એવા  સંખ્યાબંધ બનાવો ભૂતકાળમાં નોંધાયા છે.  જો કે પાલિકાનું ભ્રષ્ટ તંત્ર આવા બનાવોથી બોધપાઠ લેવાને બદલે નિંદ્રાધીન અવસ્થામાં રહે છે.  મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આજથી લગભગ આઠ મહિના અગાઉ એક આદેશ કર્યો હતો. આ આદેશ મુજબ શહેરમાં ગેરકાયદેસર રીતે વીજ થાંભલા અને અન્ય સરકારી ઇમારતો પર થી પસાર થતા ખાનગી કેબલ કંપનીઓના કેબલ વાયરો કાપી દૂર કરવાનો આદેશ હતો. જો કે પાલિકાના અધિકારીઓ આ આદેશને ધોળીને પી ગયા. આઠ મહિના અગાઉ કરેલા આદેશ બાદ બે માસ અગાઉ મ્યુ. કમિશનર દિલીપ રાણાએ ફરી એકવાર ફરમાન કરી કેબલ વાયરો કાપી દૂર કરવાનો આદેશ કર્યો. જો કે પાલિકાના અધિકારીઓએ ત્યાર બાદ પણ દિલીપ રાણાના આદેશનું પાલન કરવાનું મુનાસીબ માન્યું નહીં.


અધિકારીઓ જેવી રીતે સામાન્ય નાગરિકોને ગણકારતા નથી એવી જ રીતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ગણકારતા નથી. આઠ મહિના અગાઉ થયેલા આદેશની ધરાર અવગણા કરતા પાલિકાના અધિકારીઓ છેલ્લા એકબીજાને ખો કરી રહ્યા છે. ગરીબોના દબાણો સામે કાયદાનો કોરડો વિંઝતા અધિકારીઓ અને શાશકો કેબલ ઓપરેટરો અને કેબલ કંપનીઓ સામે ધૂટણીયે પડે છે. શહેરના ઓવરબ્રીજો કેબલ ઓપરેરોએ કેબલ વાયર પસાર કરવાનું માધ્યમ બનાવી દીધું છે.  કેટલીક જગ્યાએ કેબલ વાયરો સડક પર લટકતા અને પડેલા જોવા મળે છે. ન કરે નારાયણ અને કોઈ બાઈકમા આ કેબલ ફસાઈ જાય તો બાઈક ચાલકની હાલત શું થાય? વરસાદમાં પાણી ભરાયેલા હોય તો કેબલ વાયર કેવી રીતે દેખાય ? એવામાં કેબલના જાડા વાયરમાં વાહન ફસાઈ જાય તો કલ્પના કરો શું થાય ? જો કે જાડી ચામડીના તંત્ર અને સ્માર્ટ શાશકો બિન્ધાસ્ત છે અને એમની પાસે આવા પ્રશ્નોનો કોઈ જવાબ નથી. કોઈ દુર્ઘટના સર્જાય અને નિર્દોષ વ્યક્તિના મોત બાદ તંત્ર જાગશે..? મ્યુનિસિપલ કમિશનરના આદેશને ધોળીને પી જતાં અધિકારીઓના પાપે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? આવા અનેક સવાલો પાલિકાના રેઢીયાળ તંત્ર સામે વિકરાળ મ્હોં ફાડીને ઉભા છે.

Share :

Leave a Comments