- કારમાંથી ડ્રાઇવર સીટની બાજુમાંથી મિશ્રિત દારૂ ભરેલા ત્રણ ગ્લાસ મળી આવ્યા હતા અને પાછળની સીટ પરથી દારુની બોટલ મળી આવી હતી
- પોલીસે ત્રણેયની અટકાયત કરીને 5.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરાના કેલનપુર પાસે કારમાં દારૂની મહેફિલ માણી રહેલા ત્રણ વ્યક્તિને વરણામા પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વિસ્તારના કુખ્યાત બુટલેગરની ત્યાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે રેડ કરવા ગઇ હતી. પરંતુ, પોલીસને દારૂના જથ્થાને બદલે દારૂની મહેફિલ માણતા ત્રણ વ્યક્તિ હાથ લાગ્યા હતા.
મળેલી માહિતી પ્રમાણે, વરણામાં પોલીસ મથકના કોન્સ્ટેબલ નાગરભાઈએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ કેલનપુર આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, કેલનપુર ગામ પાસે આવેલા પેટ્રોલપંપ પાસે કારમાં ત્રણ ઇસમો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેના આધારે પંચોને સાથે રાખીને સ્થળ પર રેડ કરવામાં આવી હતી. સ્થળ પર જઇને બેટરી વડે કાર પર લાઇટ મારતા ત્રણ શખસો બેઠેલા મળી આવ્યા હતા. તથા ડ્રાઇવર સીટની બાજુમાં મિશ્રિત ત્રણ પ્લાસ્ટીકના ગ્લાસ જોવા મળ્યા હતા.
કારમાં બેઠેલા શખ્સોએ પોતાના નામ અક્ષય મહેશભાઇ શર્મા (ઉં. 31) (રહે. પાર્ક શાયર સોસાયટી, કેલનપુર), કદમ જીતેન્દ્રકુમાર રાવત (ઉં.32) (રહે. પાર્ક શાયર સોસાયટી કેલનપુર) અને ચીરાગ મણીલાલ પરમાર (ઉં. 40) (રહે. બાલકિશન કોમ્પલેક્ષ, અવધુત ફાટક, માંજલપુર) હોવાનું જણાવ્યું હતું. બેટરીના અજવાળે જોતા તમામની આંખો નશામાં ઘેરાયેલી લાગતી હતી. અને કેફી પીણું પીધું હોવાની પુષ્કળ વાસ આવતી હતી. પ્રોહિબિશનનો મુદ્દામાલ રાખવા બદલ પરમિશન માંગતા તે ન હોવાનું જણાવ્યું હતું.
કારમાંથી ડ્રાઇવર સીટની બાજુમાંથી મિશ્રિત દારૂ ભરેલા ત્રણ ગ્લાસ મળી આવ્યા હતા. અને પાછળની સીટ પરથી દારુની બોટલ મળી આવી હતી. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરીને કુલ રૂપિયા 5.60 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધાયો વરણામાં પોલીસ મથકમાં અક્ષય મહેશભાઈ શર્મા (ઉં. 31) (રહે. પાર્ક શાયર સોસાયટી, કેલનપુર), કદમ જીતેન્દ્રકુમાર રાવત (ઉં.32) (રહે. પાર્ક શાયર સોસાયટી કેલનપુર) અને ચીરાગ મણીલાલ પરમાર (ઉં. 40) (રહે. બાલકિશન કોમ્પલેક્ષ, અવધુત ફાટક, માંજલપુર) સામે પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.