સુરતના વેપારીને ક્રિપ્ટો કરન્સી આપવાનું કહી ૮૬.૫૦ લાખ રોકડા પડાવી લેનાર વડોદરાના એજન્ટને વડોદરા પોલીસે ઝડપી પાડી સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ગત તા. ૮મી સપ્ટેમ્બરે ગુનો દાખલ થયો હતો. જેની વિગત એવી છે કે, મૂળ અમરેલીના અને હાલમાં સુરત મોટા વરાછા અંબિકા પીનાકલ એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિનભાઇ મનસુખભાઇ સાવલીયા ડુમ્મસ રોડ પીપલોદ ગામે લેકવ્યુ મેડિકલ સ્ટોર ચલાવે છે. મારા સાઢુ ભાઇ મહેન્દ્રભાઇએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરશો તો સારૂં વળતર મળશે. તેવું જણાવ્યું હતું. તેમણે રોકાણ માટે જ્યોતિરવદનની વાત કરી હતી. અશ્વિનભાઇએ મિત્રો તથા સગા સંબંધીઓ પાસેથી ૮૬.૫૦ લાખ ભેગા કરી આપ્યા હતા. આરોપી જ્યોતિરવદન ઉર્ફે મુન્નાભાઇ ઉર્ફે રવિભાઇ મંગલસિંહ પટેલ (ઉ.વ.51, રહે. બાલાજી આર્કેડ, રિલાયન્સ ફ્રેશની ઉપર, નિઝામપુરા) એ પોતાની ઓળખ એજન્ટ તરીકે આપી યુ.એસ.ડી.ટી. આપવાનું કહી ૮૬.૫૦ લાખ રોકડા પડાવી લીધા હતા. ગુનો દાખલ થયા પછી આરોપી વડોદરાનું પોતાનું મકાન બંધ કરીને ફરાર થઇ ગયો હતો.
આ દરમિયાન વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એક શખસ નામે જ્યોતીરવદન ઉર્ફે મુન્નાભાઇ મંગલસિંહ પટેલ (ઉ.વ.51,રહે. બાલાજી આર્કેડ, શુકલાનગર ચાર રસ્તા, નિઝામપુરા વડોદરા)ને શંકાસ્પદ હાલતમાં શોધી કાઢી શરૂઆતમાં પોતાના નામઠામ અંગેની સંતોષકારક માહિતી આપી ન હતી. જેથી આ શખસની સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવતા તે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઠગાઇના ગુનામાં સંડોવાયેલ હોવાનુ અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોવાની હકીકત પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઇ આવતા ક્રાઇમ બ્રાન્ચે આ શખસ સામે કાયદેસરની કાર્યવાહી કરી સુરત પોલીસને જાણ કરી આગળની તપાસ માટે સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.