વડોદરા જીલ્લા LCBએ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સને ઝડપી પાડ્યા, ઉદયપુરનો શખ્સ વોન્ટેડ

મંજુસર પોલીસ મથકની હદમાં જિલ્લા LCB પોલીસે વોચ ગોઠવી હતી

MailVadodara.com - Vadodara-District-LCB-nabs-two-men-with-car-full-of-foreign-liquor-Udaipur-man-wanted

- LCBની ટીમે 29 પેટી વિદેશી શરાબની બોટલો તેમજ એક ક્રેટા કાર અને મોબાઈલ ફોન મળીને 6,17,960 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા જીલ્લા LCBની ટીમે બાતમીના આધારે વિદેશી શરાબનો જથ્થો લઈને વડોદરા તરફ આવતી એક ક્રેટા કારને ઝડપી પાડી હતી. જ્યારે કારમાં સવાર બે વ્યક્તિઓની ધરપકડ કરીને એક લાખની કિંમતના શરાબના જથ્થા સહિત 6 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. 

વિદેશી શરાબની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવે છે. જેમાં કેટલીક વાર વૈભવી કારનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વૈભવી કાર સામાન્ય રીતે પોલીસ ચેક કરતી નથી. જેથી બુટલેગરો શરાબનો જથ્થો હેરાફેરી કરવામાં સફળ થઈ જાય છે. 


વડોદરા જીલ્લા LCB પોલીસના જવાન ગજાભાઈ તેમજ જયદીપસિંહને બાતમી મળી હતી કે, કેટલાક બુટલેગરો એક ક્રેટા કારમાં વિદેશી શરાબ ભરીને એક્સપ્રેસ વેના માર્ગે વડોદરા તરફ આવી રહ્યા છે. જે બાતમીના આધારે મંજુસર પોલીસ મથકની હદમાં રિલાયન્સ પેટ્રોલપમ્પ નજીક પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળી કાર આવી પહોંચતા તેને કોર્ડન કરીને ઝડપી પાડી હતી. 

કાર માંથી ચાલક પ્રવિણસિંહ કુંદનસિંહ રાઠોડ તેમજ વિનય પ્રતાપસિંહ રાજપૂત (રહે. સરકારી હોસ્પિટલ નજીક, ગામ કાલવા, તા.મકરાણા, જી.નાગોર,રાજસ્થાન) મળી આવ્યા હતા. જ્યારે કારમાં પાછળની સીટ આડી કરીને વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો મળી આવી હતી. 


LCBની ટીમે 29 પેટી વિદેશી શરાબની બોટલો તેમજ એક ક્રેટા કાર અને મોબાઈલ ફોન મળીને 6,17,960 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે રાજસ્થાનના ઉદયપુર ખાતે રહેતા પિન્ટુસિંગ રાજપૂત નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

Share :

Leave a Comments