વડોદરા ક્રાઇમ બ્રાન્ચે હાથથી બનાવેલ કટ્ટો અને બે જીવતા કારતુસ સાથે એક ઇમસને ઝડપી પાડ્યો

ક્રાઇમ બ્રાન્ચે મૂળ યુપીના અને નવાયાર્ડમાં રહેતા મોહમ્મદ પરવેઝ પઠાણને ઝડપી પાડ્યો

MailVadodara.com - Vadodara-Crime-Branch-nabs-an-Imus-with-a-handmade-knife-and-two-live-cartridges

- ક્રાઇમ બ્રાન્ચે રિક્ષામાંથી હાથથી બનાવેલ કટ્ટો અને બે જીવતા કારતુસ સાથે કુલ 65,200ના મુદ્દામાલ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં પોલીસ કમિશનરના હથિયારબંધીના જાહેરનામાનું પાલન થાય છે કે કેમ? તે દિશામાં સતત પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નવાયાર્ડ વિસ્તારમાંથી એક ઇસમ પાસેથી રિક્ષામાં હાથથી બનાવેલ કટ્ટો અને બે જીવતા કારતુસ સાથે કુલ 65,200ના મુદ્દામાલ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આગામી 10થી 12 જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ગેરકાયદેસર રીતે વગર પાસ-પરમીટે અગ્નિશસ્ત્રો રાખતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ઉચ્ચ અધિકારીઓની સૂચના અને હથિયારબંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એમ.એફ.ચૌધરીની ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળેલ કે, જૂના છાણી રોડ પરથી પંડયા બ્રિજ તરફ એક ઓટોરિક્ષામાં ગેરકાયદેસરનું અગ્નિશસ્ત્ર વેચાણ કરવાના ઇરાદે પસાર થનાર છે, જે બાતમી આધારે વોચ રાખી ત્યાં એક ઓટોરિક્ષા સાથે ઇસમ મોહંમદપરવેજ મોહંમદઉમર પઠાણ (રહે.રસુલજીની ચાલી, નવાયાર્ડ વડોદરા મુળ.બરગેન, ઉત્તર પ્રદેશ) ને ઝડપી પાડ્યો હતો.


ઇસમને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરતા તેની પાસેથી બે જીવતા કારતુસ તથા એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ સાથે ઇસમને સાથે રાખી ઓટોરીક્ષામાં તપાસ કરતા ડ્રાઇવર સીટ નિચેથી એક અગ્નીશસ્ત્ર હથીયાર દેશી હાથબનાવટનો કટ્ટો મળી આવ્યો હતો. જે સંદર્ભે અગ્નિશસ્ત્ર પોતાના કબ્જામાં રાખવા અંગે કોઇ લાયસન્સ કે પરવાના અંગે પૂછતા ઇસમ પાસે લાયસન્સ કે પરવાનો નહી હોવાનું જણાવતા ક્રાઇમ બ્રાન્ચે ઇસમ પાસેથી મળી આવેલ મુદ્દામાલ કબ્જે કરી ક્રાઇમ બ્રાન્ચ ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ગુન્હામાં ઝડપાયેલા ઇસમનું નામ મોહંમદપરવેજ મોહમ્મદઉમર પઠાણ (ઉ.વ.42 રહે. રસુલજીની ચાલી, નવાયાર્ડ વડોદરા મુળ. બરગેન ઉત્તર પ્રદેશને) છે. આ ઇસમ વિરૂધ્ધમાં અગાઉ સયાજીગંજ, ફતેગંજ, સમા, વડોદરા રેલ્વે પો.સ્ટે.માં ઓવર સ્પીડીંગથી વાહન ચલાવવા,જાહેરનામા ભંગ, જુગાર ધારા હેઠળના 4 ગુનાઓ નોંધાયેલ છે. આ આરોપી પાસેથી અગ્નીશસ્ત્ર દેશી હાથ બનાવટનો કટ્ટો-1, જીવતા કારતુસ-2, મોબાઇલ ફોન-1, ઓટોરીક્ષા મળી કુલ્લ રૂપિયા 65,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments