વડોદરા કોર્પોરેશનને ચાલુ વર્ષે મિલકત વેરામાં રૂપિયા 94 કરોડની ઘટ, વસૂલાત માટે કડક કાર્યવાહી કરાશે

ચાલું નાણાકીય વર્ષ પૂર્ણ થવા આડે હજુ સવા મહિનાનો સમય બાકી

MailVadodara.com - Vadodara-Corporation-to-reduce-Rs-94-crore-in-property-tax-this-year-strict-action-will-be-taken-for-collection

- અત્યાર સુધીમાં 577 કરોડની વસુલાત કરાઇ, કોર્પોરેશન દ્વારા બિન રહેણાંક 12,770 મિલકત સીલ કરાઇ, જ્યારે 14,600ને વોરંટ બજાવાયા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત વેરાની બાકી વસુલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ચાલુ વર્ષે કોર્પોરેશનના મિલકત વેરાના સુધારેલા અંદાજથી હજુ આશરે 94 કરોડની ઘટ છે. ચાલુ વર્ષે મિલકતવેરાની આવકનો લક્ષ્યાંક 642 કરોડનો હતો, જે રિવાઇઝડ બજેટમાં સુધારીને 671 કરોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 577 કરોડની વસુલાત કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા બિન રહેણાંક 12,770 મિલકત સીલ કરવામાં આવી છે, જ્યારે 14,600ને વોરંટ બજાવવામાં આવ્યા છે. અંદાજે 16,000 રહેણાંક મિલકત ધારકોને નોટિસો આપવામાં આવી છે. જે બિન રહેણાંક મિલકતો છે, તેને સાત દિવસની નોટિસ આપીને મિલકત સીલ કરવામાં આવે છે. જ્યારે રહેણાંક મિલકત ધારકોને વેરો ન ભરે તો પાણી કનેક્શન કાપી નાખવામાં આવે છે. 

ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવા આડે હજુ સવા મહિનાનો સમય બાકી છે, તે સમય દરમિયાન કોર્પોરેશન 94 કરોડની ઘટને પહોંચી વળવા વધુ સખતાઈથી કામગીરી હાથ ધરશે. વર્ષ 2022-23માં કોર્પોરેશન દ્વારા મિલકત વેરાની વિક્રમજનક 600.15 કરોડની વસૂલાત કરી હતી. જે આગલા વર્ષ કરતાં 70 કરોડ વધુ હતી. કોર્પોરેશને આ વસુલાત માટે 1.20 લાખ મિલકતો સીલ કરી હતી. જ્યારે 3,600 રહેણાંક મિલકતોના પાણીના કનેક્શન કાપી નાખ્યા હતા. દરમિયાન કોર્પોરેશન દ્વારા તારીખ 31 માર્ચ સુધી ભાડા આકારણી અને ક્ષેત્રફળ આધારિત આકારણીમાં બાકી પડતા વેરા ઉપર પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના શરૂ કરી છે. ભાડા આકારણી પદ્ધતિ મુજબ તારીખ 1-4-2003 થી અત્યાર સુધીનો બાકી પ્રોપર્ટી ટેક્સ એક સાથે ભરી દે તો નક્કી કરેલા ટકા મુજબ પ્રોત્સાહક વ્યાજ વળતર આપવામાં આવે છે. જ્યારે ક્ષેત્રફળ આધારિત આકારણીમાં વર્ષ 2003થી અત્યાર સુધીનો બાકી વેરો ભરી દે તો એમાં પણ નક્કી કરેલા ટકા મુજબ પ્રોત્સાહક વ્યાજ વળતર અપાય છે.ભાડા આકારણી મુજબ વેરો બાકી હોય પણ ક્ષેત્રફળ આધારિત પદ્ધતિ મુજબ અત્યાર સુધીનો બાકી વેરો ભરી દે તો તેને પણ આ યોજનાનો લાભ કોર્પોરેશન આપી રહી છે.

Share :

Leave a Comments