વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી બે માસ માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જેમાં ખાસ કરીને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગ પર નિયંત્રણ લાવવા અને લોકોમાં આ રોગો પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુથી દર વર્ષેની જેમ આ વર્ષે પણ જુન માસ `મેલેરિયા વિરોધી માસ' અને જુલાઈ માસ `ડેન્ગ્યુ વિરોધી માસ'ની ઉજવણી કરવામાં આવનાર છે.
આવનાર બે માસમાં રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ તથા વિશ્વ આરોગ્ય સંસ્થાએ મેલેરિયા રોગની નાબૂદી માટે નેશનલ ફ્રેમ વર્ક ફોર મેલેરિયા એલિમિનેશન ઈન ઇન્ડિયા (2016-2030) પ્રોગ્રામ લોન્ચ કરેલ છે. વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગોના ફેલાવવા અને અટકાયતના ઉપાયો તથા તેની સારવાર અને સ્વ-બચાવો અંગેના ઉપાયો વિશે જાણકારી વધે તે માટે તમામ સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ તથા નાગરિકો આ ઝુંબેશમાં જોડાય તે માટેના પ્રયાસ શરૂ કરવામાં આવશે.
વાહકજન્ય રોગ નિયંત્રણ માટે સૌપ્રથમ જૂન માસમાં ચોમાસા પૂર્વે સંલગ્ર સંસ્થા/કચેરીઓના તથા રહેઠાણ વિસ્તારમાં મેલેરિયા-ડેન્ગ્યુ-ચિકુનગુનિયા જેવા રોગ ફેલાવતાં વાહક મચ્છ૨ની ઉત્પત્તિ રોકવા માટે પીવાના પાણીના પાત્રોની દર અઠવાડિયે એક વખત સફાઈ કરવામાં આવશે. પાણીની ટાંકીના ઢાંકણો બંધ કરી હવા ચુસ્ત રાખવા જરૂર પડે રીપેરીંગ કરવાનું કહેવાશે. નકામો પડી રહેલો બિનજરૂરી ભંગાર કચરો વગેરે ચોમાસા પહેલાં સાફ કરાવાશે અને ભંગારમાં વરસાદી પાણી ન ભરાય તે સ્થળે ખસેડી સોર્સ રિડક્શન કરવામાં આવશે, બેઝમેન્ટ તથા અગાશીમાં વરસાદી પાણી ન ભરાય રહે તેવી વ્યવસ્થા કરવા તથા પાણીના લીકેજ હોય તો તુરંત જ રીપેરીંગ કરવાનું તેમજ ચોમાસા દરમિયાન ધાબા પર ભરાય રહેતા વરસાદી પાણીનો કાયમી નિકાલ ક૨વાની વ્યવસ્થા કરવાની પણ સુચના આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનના ચોપડે આ વર્ષે અત્યારસુધીમાં ડેન્ગ્યુના 92, મેલેરિયાના 15 અને ચિકનગુનિયાના 45 કેસ નોંધાયા છે. ત્યારે આ ઝુંબેશ અંતર્ગત લોકોમાં જાગૃતિ આવે અને સાવચેત રહે તેવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. ત્યારે જન જાગૃતિ માટે હોર્ડિંગ્સ, પોસ્ટર, બેનર્સ અને સ્ટીકર લગાવી અનુરોધ કરવામાં આવશે. ત્યારે હાલના સમયમાં અને ચોમાસા દરમિયાન સમગ્ર સરકારી, અર્ધસરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા યોગ્ય સહકાર મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.