- સભ્યોની સામુહિક રજૂઆતને લઈને મ્યુનિ. કમિશનરે પ્રશ્ન હલ કરવાની હૈયાધારણા આપી
વડોદરા મહાનગર સેવા સદનમાં શુક્રવારે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સ્થાયી સમિતિના સભ્યોએ સફાઈની કામગીરી માટે અધિકારીઓ દ્વારા સહકાર મળતો ન હોવાની ઉગ્ર રજૂઆત કરી હતી, સભ્યોની સામુહિક રજૂઆતને લઈને મ્યુનિસિપલ કમિશનરે પ્રશ્ન હલ કરવાની હૈયાધારણા આપી હોવાનું જાણવા મળ્યું હતું.
વડોદરા કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને સ્થાયી સમિતિની બેઠક મળી હતી. સપ્તાહના શુક્રવારે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને લઈને સમિતિના સભ્યોએ મ્યુનિસિપલ કમિશનરને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
સ્થાયી સમિતિના સભ્યોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પૂર ઓસરી ગયા છે અને શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ઢગ લાગી ગયા છે. અમારા વિસ્તારમાં સફાઇ માટે અધિકારીઓ પાસે મશીનરી માંગવામાં આવે છે પરંતુ, કોઈ જવાબ આપવામાં આવતો નથી. આ ઉપરાંત વડોદરા શહેરમાં પાણીની પણ સમસ્યા છે ત્યારે પાણી અંગે પણ રજૂઆતો કરવા છતાં પણ લોકોને પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી.
સમિતિના સભ્યોએ એવી પણ રજૂઆત કરી હતી કે સફાઈ માટે જેસીબી, ડમ્પર કે ડ્રેનેજ સાફ કરવા માટે કોઈપણ મશીનરી માંગવામાં આવે છે ત્યારે કોઈને કોઈ જવાબો આપવામાં આવી રહ્યા છે અને વાતને ટાળી દેવામાં આવે છે. અધિકારીઓ યોગ્ય જવાબ આપતા ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનરે સમિતિના સભ્યોની રજૂઆત સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે, કાઉન્સિલરોને જરૂરી મશીનરી મળી રહે તે માટેની યોગ્ય વ્યવસ્થા કરવા માટેની વ્યવસ્થા કરવાની હૈયાધારણા આપી હતી.