વડોદરા કોર્પોરેશને ગંદકી ફેલાવતા અને સ્વચ્છતા નહીં જાળવતા લોકો પાસેથી ૧.૩૯ લાખનો દંડ વસૂલ કર્યો

કોર્પોરેશને ખાણીપીણીની લારીઓ તેમજ શાકમાર્કેટમાં બે દિવસથી રાત્રિ ઝુંબેશ શરૂ કરી

MailVadodara.com - Vadodara-Corporation-collects-a-fine-of-Rs-1-39-lakh-from-those-who-litter-and-do-not-maintain-cleanliness

- પ્લાસ્ટિકની થેલીઓ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરાવવા પણ ચેકિંગ હાથ ધરાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગંદકી ફેલાવતા અને સ્વચ્છતા નહીં જાળવતા ધંધાર્થીઓ અને ખાણીપીણીની લારીઓ તેમજ શાકમાર્કેટમાં બે દિવસથી રાત્રિ ઝુંબેશ રાખી હતી. જેમાં ગંદકી કરતા લોકો પાસેથી ૧,૩૯,૪૦૦નો દંડ વસૂલ કર્યો હતો.

વડોદરા કોર્પોરેશનમાં અધિકારીઓ અને વોર્ડ ઓફિસરોની બેઠકમાં પણ કમિશનર દ્વારા સ્વચ્છતા જાળવવા અને ગંદકી ફેલાવતા લોકો સામે કડકાઇથી દંડ વસૂલ કરવાની સૂચના આપાતી રહે છે. ઘનકચરા વ્યવસ્થાપન અને નિયંત્રણ તથા પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ હેઠળ જાહેરમાં કચરાના નિકાલ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલો જ છે.  જે મુજબ વડોદરા કોર્પોરેશનના ઉત્તર ઝોન વિસ્તારમાં જાહેર જગ્યામાં આરોગ્ય જોખમાય તેવી પ્રવૃત્તિ તેમજ જાહેર જગ્યાનો ઉપદ્રવકારક ઉપયોગ કરતા ધંધાર્થીઓ અને દુકાનો વગેરે સામે જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ મુજબ દંડનીય કાર્યવાહી કરવા નોટિસ ફટકારી ચેતવણી આપી દંડની વસૂલાત કરવામાં આવી હતી.

ઉત્તરઝોન હસ્તકના પાંચ વોર્ડ છે. વોર્ડ નં.૧, ૨, ૩, ૭ અને ૧૩.  વોર્ડ નં- ૧ના જૂના છાણી રોડ, એલ એન્ડ ટી સર્કલ શાક માર્કેટ, પંડયા બ્રિજ ફુડ એન્ડ  ડ્રગ્સ લેબોરેટરીની આસપાસ ખાણી-પીણીની લારીઓ, વોર્ડ-૨માં અંબિકાનગર શાક માર્કેટ, વોર્ડ-૩માં વુડા સર્કલથી મુકતાનંદ સર્કલ, સ્ટેશન રોડ વોર્ડ-૭માં ફતેપુરા ચાર રસ્તાથી સંગમ ચાર રસ્તા, અડાણીયા પુલ, આનંદ નગર રોડ તથા વોર્ડ-૧૩ના પ્રતાપનગર રોડ, સિધ્ધનાથ રોડ વિસ્તારમાં તા.૨૬ તથા ૨૭ના રોજ રાત્રિ ઝુંબેશ કરી સપાટો બોલાવ્યો હતો. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પાતળી પ્લાસ્ટિકની થેલીઓ તથા અન્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવવા તેમજ માલ સામાનની જપ્તીની કાર્યવાહી પણ ઝુંબેશ સ્વરૂપે આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે.

Share :

Leave a Comments