- ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી અર્થે કોલ લેટર સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવું પડશે
વડોદરા કોર્પોરેશન દ્વારા 552 જુનિયર ક્લાર્કની જગ્યા પર મેરીટ્સ પ્રમાણે આવેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા તા.1 થી 5 જાન્યુઆરી, 2024 સુધી સયાજીબાગ પ્લેનીટેરિયમ ખાતે કરવામાં આવનાર છે. આ પ્રક્રિયામાં ગેરહાજર રહેલા ઉમેદવાર ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક થશે, તેમ ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિએ જાહેર સૂચના આપી સ્પષ્ટતા કરી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી જુનિયર ક્લાર્કની ભરતી અંગેની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ મેરીટ્સ પ્રમાણે પાસ થયેલા એવા 552 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી તા.1 થી 5 જાન્યુઆરી, 2024 સુધી કરવામાં આવનાર છે. જે અંગે ડેપ્યુટી કમિશનર હસમુખભાઈ પ્રજાપતિએ ઉમેદવારોને જાણકારી આપી છે.
જાહેર સૂચના આપતા ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા 552 જુનિયર ક્લાર્કની જગ્યાની સીધી ભરતી કરવા ગુજરાત ગૌણ સેવા પરિષદ મંડળ દ્વારા ગત તા. 8 ઓક્ટોબરના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. જે અન્વયે પ્રાથમિક તબક્કામાં ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી અર્થે તા.1 થી 5 જાન્યુઆરી સુધી રૂબરૂમાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. દરેક ઉમેદવારે અસલ ફોટો આઈડી, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાત (સેમિસ્ટર પ્રમાણે માર્કશીટ અને ડિગ્રી સહિત) અને આનુસંગિક પુરાવા જાતિના પ્રમાણપત્ર (ઝેરોક્ષના બે સેટ) અરજી પત્રક સૂચિત કોલ લેટર સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે ઉમેદવારોની યાદી સ્થળ તારીખ તથા સમય તેમજ અન્ય અગત્યની સૂચનાઓ વડોદરા કોર્પોરેશનની વેબસાઈટ ઉપર તા.27/12/ 23 ના રોજ બપોરે બે કલાકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.
તેમણે વધુમાં સ્પષ્ટતા કરી છે કે, ગેરહાજર રહેલા ઉમેદવાર આગળની ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક થશે. વધુમાં અરજી કરતાં સમયે જન્મ તારીખ કે જેન્ડર સ્ત્રી હોય કે પુરુષ બાબતે અરજી પત્રકમાં ઉમેદવાર દ્વારા ક્ષતીયુક્ત વિગતો ભરવામાં આવી હોય તો તે સુધારવા અંગે તારીખ પહેલી જાન્યુઆરી પહેલા રૂબરૂમાં લેખિતમાં જાણ કરવા જણાવવામાં આવે છે. સમય વિત્યાં બાદ કોઈપણ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તેમ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.