- વાઘોડિયા પોલીસે મયુર પટેલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
શહેરના આમોદર ગામમાં રહેતી અને વધુ અભ્યાસ કરવા યુ.કે. જવા ઇચ્છતી વિદ્યાર્થીની પાસેથી રૂપિયા 18.97 લાખ પડાવી વિદેશ ન મોકલનાર ભેજાબાજ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ભેજાબાજ સામે ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, વાઘોડિયા તાલુકાના આમોદર ગામમાં દરબાર ફળિયામાં ચૈતાલી કલ્યાણસિંહ મહિડા પરિવાર સાથે રહે છે અને બી.એ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેના 2019માં મહુધાના મહિસા ગામ ખાતે લગ્ન થયા હતા. તેઓ 2022માં યુ.કે., કેનેડા, ઓસ્ટ્રેલિયા જવા માંગતા હોવાથી અમદાવાદ વસ્ત્રાપુરમાં IELTSના ક્લાસ શરૂ કર્યા હતા. ક્લાસ પૂરા થયા બાદ તેઓ પરત પોતાના ગામ આવી ગયા હતા.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આમોદર ગામમાં રહેતા યાત્રીક પટેલ અને શ્યામલ કાઉન્ટીમાં રહેતા કૃતાર્થ પટેલે ચૈતાલી મહિડાને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, તમે વિદેશ જવા માંગો છો, તમારે એજન્ટની જરૂર હોય તો તે વાઘોડિયાના માડોધર રોડ ઉપર રહે છે. તેમનું નામ બિપીનચંદ્ર પટેલ છે. ચૈતાલી વિદેશ જવા માંગતી હોવાથી બિપીનચંદ્ર પટેલનો ફોન ઉપર સંપર્ક કર્યો હતો અને અમદાવાદ મિટિંગ કરી હતી.
મિટિંગ દરમિયાન બિપીનચંદ્ર પટેલે ચૈતાલીને જણાવ્યું હતું કે, મારી એમ.કે. ઇમીગ્રેશનના નામથી વિઝા કંપની ચલાવું છું. એડમીશનથી લઇને વિઝા કઢાવી આપવા સુધીનું કામ કરું છું. તે માટે રૂપિયા 18થી 20 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. ચૈતાલીને બિપીનચંદ્ર પટેલ ઉપર વિશ્વાસ આવતા તેઓએ યુ.કે. જવા માટેનું કામ બિપીનચંદ્રને આપ્યું હતું. તે પેટે તબક્કાવાર રૂપિયા 18 લાખ 97 હજાર 500 આપ્યા હતા.
જોકે, બિપીનચંદ્ર પટેલે આપેલ સમય મર્યાદામાં ચૈતાલીને યુ.કે.ના વિઝા અપાવી ન શકતા અને ગોળ ગોળ જવાબ આપતો હોઇ, ચૈતાલીએ પોતે આપેલી રકમ પરત માંગી હતી. તે રકમ પરત ન આપતા ચૈતાલીએ વાઘોડિયા પોલીસ મથકમાં બિપીનચંદ્ર પટેલ સામે અરજી આપી હતી. અરજી બાદ બિપીનચંદ્ર પટેલે લીધેલી રકમ કરી આપવા માટે ચૈતાલી મહિડાને લેખિત બાહેંધરી આપી હતી. તે સમયે રૂપિયા 10 હજાર રોકડ આપ્યા હતા. બાકીના રૂપિયા કરાર મુજબ આપવા માટે જણાવ્યું હતું, પરંતુ બિપીનચંદ્ર આપતો ન હતો અને ફોન બંધ કરી દીધો હતો. ચૈતાલી મહિડા બિપીનચંદ્ર પટેલને રૂબરું મળતા નાણાં આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી ધમકી આપી હતી.
દરમિયાન, ચૈતાલી મહિડાએ વાઘોડિયાના માડોધર રોડ ઉપર આવેલી 36, મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા અને એમ.કે. ઇમીગ્રેશનના સંચાલક મયુર બિપીનચંદ્ર પટેલ સામે રૂપિયા 18 લાખ 97 હજાર 500 કરાર મુજબ ન આપતા ફરિયાદ નોંધાવી હતી. વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે મયુર પટેલ સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.