વૃદ્ધોને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી સોનાની ચેઇન, મંગળસૂત્ર ચોરનાર ટોળકીના વધુ બે શખ્સ ઝડપાયા

ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમી આધારે વાઘોડિયા રોડ પરથી બંનેને ઝડપી પાડ્યા

MailVadodara.com - Two-more-persons-of-the-gang-who-stole-gold-chain-Mangalsutra-from-old-people-in-rickshaw-were-caught

- પોલીસે અગાઉ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, હજુય આંતરરાજ્ય ટોળકીની બે મહિલા સહિત અન્ય ચાર આરોપીઓને પકડવાના બાકી!


વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સિનિયર સિટીઝન મહિલાઓ રિક્ષામાં બેસાડી સોનાની ચેઇન તથા મંગળસૂત્ર સરકાવી લેતી ટોળકીના વધુ બે સાગરીતોને વાઘોડિયા રોડ પરથી ઝડપી પાડ્યા છે. 

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સિનિટર સિટીઝન વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડવાના બહાને હાથ ચાલકી વાપરીને તેમના ગળામાંથી સોનાની ચેઇન તથા મંગળસૂત્ર આંતરરાજ્ય ચોર ટોળકીના સાગરીતો દ્વારા સરકાવી લેવામાં આવતી હતી. જેમાં દિન પ્રતિદિન આ ટોળકીનો આતંક વધતો જતો હતો. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે અગાઉ બે સાગરીતોને સોમા તળાવ બ્રિજ પાસેથી રિક્ષામાં ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પણ બાકી ચોરો મહિલાઓને નિશાન બનાવતા હતા. આ દરમિયાન આજે બુધવારે ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા. તે દરમિયાન આ ટોળકીના અન્ય સાગરીતો વાઘોડિયા રોડ પર હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેથી બાતમી મુજબના સ્થળ પર પહોંચીને ક્રાઇમ બ્રાન્ચે ભીમાભાઇ ઉર્ફે ભીમો રમેશભાઇ વાઘેલા (ઉ.વ.34, રહે. સરદારનગર ઝૂંપડપટ્ટી, મહેમદાવાદ, ખેડા) અને અજય ઉર્ફે કાળીયો દિલુભાઇ વાઘરી (દાંતણીયા) (ઉ.વ.32, રહે. કુભારખાડ તળાવ ઝૂંપડામાં, મહેમદાવાદ, ખેડા)ને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓ સામે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા હોય તમામ પોલીસ સ્ટેશનોમાં જાણ કરાઇ છે. 


આ ઉપરાંત આંતરરાજ્ય ટોળકીની બે મહિલા સહિત અન્ય ચાર આરોપીઓને પકડવાના બાકી છે, જેમાં ઇમરાનમીયા ઉર્ફે  મેમ્બર મલેક (રહે. ઢાંકણીવાડ, મહેમદાવાદ, જી.ખેડા), ગીતાબેન શૈલેષભાઇ દતાણી (રહે. કુભારખાડ, મહેમદાવાદ, જી.ખેડા), સુર્યાબેન મનસુખભાઇ મીઠાપરા (રહે. મહેમદાવાદ, જી.ખેડા) અને લાલુ ધનજીભાઇ વાઘરી (રહે. મહેમદાવાદ, જી.ખેડા)ને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ અગાઉ રમેશ ઉર્ફે ભોટી શંકરભાઇ નાયક (બજાણીયા)  (રહે. સફારી હોટલ પાછળ, ઓઢવ રીંગ રોડ, અમદાવાદ) અને રાજેશ ઉર્ફે ટણી દયારામ પરમાર (દેવીપુજક) (રહે. કુભારખાડ તળાવ પાસે છાપરામાં, મહેમદાવાદ, જી.ખેડા)ને ઝડપી પાડ્યા હતા.

Share :

Leave a Comments