- છેલ્લાં 4 દિવસ પછી પણ માસૂમ બાળકોના કોઇ સગડ ન મળતાં પરિવાર ચિંતામાં
- શિનોર પોલીસે CCTV ફૂટેજના આધારે બાળકોને શોધવાની તજવીજ હાથ ધરી
વડોદરાના શિનોર તાલુકાના તેરસા ગામમાં રહેતા આદિવાસી પરિવારના બે માસૂમ બાળકો ઘર આંગણેથી રહસ્યમય ગુમ થતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે બંને બાળકોની શોધખોળ શરૂ કરી છે પરંતુ, 4 દિવસ પછી પણ પોલીસને કોઇ સગડ મળ્યાં નથી. બાળકો ન મળતાં પરિવાર ચિંતામાં આવી ગયું છે.
મળેલી માહિતી મુજબ શિનોર તાલુકાના તેરસા ગામમાં જૂની પંચાયત ઓફીસ નજીક દેડિયાપાડા તાલુકાના કંબુદી ગામના મહેન્દ્રભાઈ વસાવા તેમના ત્રણ બાળકો અને પત્ની સાથે રહે છે. મહેન્દ્ર વસાવા 20 દિવસ અગાઉ જ તેમના પરિવાર સાથે તેરસા ગામે આવ્યાં હતાં અને પિયુષભાઈ પટેલને ત્યાં છૂટક ખેતમજૂરી કરતાં હતાં.
આ દરમિયાન તારીખ 14 મેના રોજ મહેન્દ્ર વસાવાના ત્રણ બાળકો પૈકી બે બાળકોમાં 10 વર્ષીય સુનીલ મહેન્દ્ર વસાવા અને 9 વર્ષીય રાજવીર મહેન્દ્ર વસાવા રમવા માટે ગયા હતાં પરંતુ, મોડી સાંજ સુધી બંને બાળકો ઘરે ન આવતાં આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે, બંને બાળકો મોડી સાંજ સુધી મળી આવ્યાં ન હતાં. જેથી, મહેન્દ્ર વસાવાએ પોતાના બે બાળકો મળતાં ન હોવાની જાણ પિયુષ પટેલને કરતાં પિયુષ પટેલે બે બાળકો ગુમ થયાની જાણ શિનોર પોલીસ સ્ટેશનમાં કરી હતી.
પોલીસને જાણ થતાં જ શિનોર પોલીસે CCTV ફૂટેજના આધારે ગુમ બંને બાળકોને શોધવાની તજવીજ હાથ ધરી છે. જોકે, ગરીબ શ્રમિક પરિવાર પાસે બંને બાળકોના ફોટા કે કોઈ ઓળખ પ્રૂફ ન હોવાના કારણે પોલીસ માટે બંને બાળકોને શોધવા પડકારજનક બન્યું છે. આ બનાવ અંગે શિનોર પોલીસ મથકના પીએસઆઇ આર.આર. મિશ્રાએ જણાવ્યું કે, પરિવારના વતન સુધી તપાસ કરવામાં આવી છે પરંતુ, બાળકોના કોઇ સગડ મળ્યા નથી.