- બે બાઇક સવાર ઈસમોએ ચાલુ બાઈકે ચેઇન ખેંચી ફરાર થઇ ગયા
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી અને ખાનગી કંપનીમાં મેનેજરની નોકરી કરતી મહિલા પતિ સાથે ચાલવા નીકળી હતી. તે દરમિયાન બે બાઇક સવાર ઈસમોએ મહિલાના ગળામાંથી સોનાની ચેઇનને ચાલુ બાઈકે ખેંચી ફરાર થઇ ગયા હતા. આ બનાવને લઇ પાણીગેટ પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
પાણીગેટ પોલીસ મથકમાં સુષ્માબેન જયેશભાઈ કાંતીલાલ પારેખે નોંધાવેલી ફરિયાદ મુજબ, વાઘોડિયા રોડ પર આવેલ તક્ષશિલા સોસાયટીમાં રહું છું અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરું છું. રાત્રિના આશરે સાડા નવેક વાગ્યાના સુમારે હું તથા મારા પતિ જમીને અમારા ઘરેથી નીકળી ડી-માર્ટ ત્રણ રસ્તા તરફ ચાલવા માટે નીકળ્યા હતા. ત્યાર બાદ ડી-માર્ટ ત્રણ રસ્તા થઈ અમારા ઘરે ચાલતા ચાલતા પરત આવવા માટે તે જ રસ્તે રોંગ સાઈડ આવવા માટે નીકળ્યા હતા. ત્યારે આશરે દસ વાગ્યે મહાવીર હોસ્પિટલ, સુરભી પાર્ક પાસે પહોંચેલા, ત્યારે અમારી પાછળથી એટલે કે ડી-માર્ટ ત્રણ રસ્તાથી રોંગ સાઈડે એક પલ્સર મોટર સાઇકલ પર ડબલ સવારીમાં બે લોકો આવ્યા અને પલ્સરની પાછળ બેસેલા ઇસમે ચાલુ મોટર સાયકલે મારા ગળામાં પહેરેલી સોનાની ચેઈન આચકી લઈને જતા રહ્યા હતા. અમે તથા અન્ય લોકો તેઓની પાછળ દોડ્યા, પરંતુ તેઓ ભાગી ગયા હતા. તેઓના પહેરવેશ અંગે પોલીસને માહિતી આપી છે, પરંતુ બાઈકના નંબર વિશે કોઈ જાણ નથી.
મહિલાએ પાણીગેટ પોલીસ મથકમાં મહિલાના ગળામાંથી ચોરેલી સોનાની ચેઈન આશરે એક તોલાની હતી. જેની કિંમત આશરે 25 હજાર ગણી હતી. પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.