છાણી - બાજવા રોડ ઉપર મહિલાની ચેઇન તોડીને ભાગી છુટેલા બે આરોપી ઝડપાયા, 97 હજારનો મુદ્દામાલ જપ્ત

મારૂતિધામ સોસાયટીમાં રહેતા મણીબેન મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી

MailVadodara.com - Two-accused-who-escaped-after-breaking-the-chain-of-a-woman-on-Chhani-Bajwa-road-were-caught

વડોદરા શહેરના છાણી-બાજવા રોડ પર મહિલાના ગળામાંથી તોડીને સોનાની ચેઇન તોડીને ભાગી છુટેલા બે આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ઝડપી પાડ્યા છે અને 97,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના છાણી-બાજવા રોડ પર આવેલી મારૂતિધામ સોસાયટીમાં રહેતા મણીબેન મકવાણા (ઉ.65) એ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું તરસાલી ખાતે બેસણામાં જઇને વડોદરા એસટી ડેપોથી રિક્ષામાં બેસીને બપોરના સમયે છાણી સરકારી દવાખાના સામે ઉતરી હતી અને મારૂતિધામ સોસાયટીમાં આવેલા કોમલ પ્લોટ પાસે પહોંચી હતી, ત્યારે એક અજાણ્યો શખસ આવ્યો હતો અને મારા ગળામાં પહેરેલી એક તોલાની સોનાની ચેઇન તોડીને ભાગી છૂટ્યો હતો. આ મામલે મેં છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


ચેઇન સ્નેચિંગના આ ગુનામાં સંડોવાયેલા આરોપી શખસની CCTV, ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારીત વિજય રમણભાઇ પરમાર (રહે. મોટા ફોકળીયા તા.શિનોર જી.વડોદરા) અને તેની સાથે રહી મદદ કરનાર દિપકભાઈ રતિલાલ માછી (ઉ.27) (રહે. પોર નવી નગરી તા.જી.વડોદરા)ને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યા છે અને આ બંન્ને શખસોની પૂછપરછ દરમિયાન સિનિયર સિટીઝન મહિલાના ગળામાંથી સોનાની ચેઈન તોડીને ભાગ્યા હોવાની કબુલાત કરી હતી. સોનાની ચેઇન વેચીને મેળવેલા રૂપિયા અને ગુનો કરવા માટે સાથે લઈ ગયેલ ટુ વ્હીલર વાહન સહિત કુલ 97 હજાર રૂપિયાનો મુદામાલ કબ્જે કરીને બંન્ને શખસોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે અને બંને આરોપીઓને છાણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. આરોપી વિજય રમણભાઈ પરમાર અગાઉ આઠથી દસ વાહનચોરીના ગુનામાં તેમજ નોકર તરીકે કામ પર રહી લાખો રૂપિયાની ચોરી કરવાના ગુનામાં પકડાયેલા છે.

Share :

Leave a Comments