વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર વાસદ નજીક મહી નદી પરના બ્રિજના સમારકામને પગલે ટ્રાફિકજામ

ડાયવર્ઝનના કારણે ટ્રાફિકજામ થતાં કલાકો સુધી વાહનચાલકો અટવાયા

MailVadodara.com - Traffic-Jam-on-Vadodara-Ahmedabad-Express-Highway-Following-Repair-of-Bridge-over-Mahi-River-near-Vasad

- 4 કિ.મી. લાંબી લાઇનથી લોકો પરેશાન : એમ્બ્યુલન્સને રોંગ સાઇડ પરથી દોડાવાઇ

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર મહી નદી પરના બ્રિજના સમારકામને પગલે રોજ સાંજ પડતાં જ વાહનચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. વાસદ નજીક હાઇવે પર ડાયવર્ઝનના કારણે આજે પણ ટ્રાફિકજામના કારણે કલાકો સુધી વાહનચાલકો અટવાઇ ગયા હતાં.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવેના રુટ પર મહી નદી પરના બ્રિજનું સમારકામ નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા શરૂ કરતા જ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા એક્સપ્રેસ હાઇવે પર વાહનોને ડાયવર્ઝન આપતા વડોદરાથી અમદાવાદ તરફ જતા રોડ પર ટ્રાફિકજામની સમસ્યા રોજેરોજની થઇ ગઇ છે. આજે આખો દિવસ સામાન્ય ટ્રાફિકજામ બાદ રાત્રે ફરીથી ટ્રાફિકજામમાં હજારો વાહનચાલકો અટવાઇ ગયા હતાં.

આજે સાંજે અમદાવાદથી નીકળીને એક્સપ્રેસ હાઇવે પર વડોદરા આવવા નીકળેલા વાહનોની  સ્પીડ વાસદ આવતાં જ ધીમી થઇ જતી હતી. રાત્રે વાસદ હાઇવે પર અમદાવાદથી વડોદરા તરફ જતા હાઇવે પર ફરી લાંબી કતારો લાગી હતી. આશરે ચાર કિ.મી. લાંબી લાઇનના કારણે વડોદરા પહોંચતા નિર્ધારિત સમય કરતાં પણ વધારે સમય લોકોએ હેરાન થવું પડયું હતું. હાઇવે પર એક એમ્બ્યૂલન્સ પણ અટવાઇ ગઇ હતી અને છેલ્લે તેને રોંગ સાઇડ પરથી આગળ દોડાવવાની ફરજ પડી હતી.

Share :

Leave a Comments