જ્વેલર્સની દુકાનમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા, સેફ હાઉસ ગણાતી વજનદાર તિજોરી ઉંચકીને લઈ ગયા

વડોદરાના ચાર દરવાજાના ભરચક વિસ્તારમાં ગતરાત્રે તસ્કરોએ હાથ ફેરો કર્યો

MailVadodara.com - Thieves-struck-a-jewelers-shop-late-at-night-lifting-a-heavy-safe-from-the-safe-house

- તસ્કરો શટર તોડીને દુકાનની અંદર પ્રવેશ્યા હતા, ચાંદીની મૂર્તિઓ સહિત 2 લાખથી વધુની ચોરી

- આ જ દુકાનમાં અગાઉ 2009માં ચોરી થઇ હતી

- પોલીસ પોઇન્ટની નજીક બનેલા બનાવને પગલે વેપારીઓમાં ભારે ફફડાટ


વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી લાડલા જ્વેલર્સ નામની શોપમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો શટર તોડીને દુકાનની અંદર પ્રવેશ્યા હતા અને તસ્કરો સેફ હાઉસ ગણાતી ભારે વજનદાર તિજોરી ઉંચકીને લઈ ગયા હતા. જેને પગલે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા છે. સાથે જ તસ્કરો ચાંદીની મૂર્તિઓ પણ લઇ ગયા છે. પોલીસ પોઇન્ટની નજીકમાં જ તસ્કરોએ તરખાટ મચાવીને પોલીસને પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યું છે.


વડોદરામાં દિવસેને દિવસે તસ્કરોનો તરખાટ તાજેતરમાં અનેક ઘરોમાં હાથકેરાના CCTV સામે આવ્યા હતા. હવે જવેલરી શોપ તસ્કરોના નિશાને હોવાનું જાણવા મળી રહ્યું છે. ગતરાત્રે તસ્કરોએ ચાર દરવાજાના ભરચક વિસ્તારમાં હાથ ફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં તસ્કરોએ માંડવી વિસ્તારમાં લાડલા જવેલર્સ નામની શોપમાં શટર તોડીને પ્રવેશ્યા છે. બાદમાં શોપમાં મુકેલી ભારે વજનદાર તિજોરી (સેફ હાઉસ) તેમજ ચાંદીની મૂર્તિઓ લઇને ફરાર થયા હતા. જેને પગલે પોલીસ દોડતી થઇ છે. પોલીસ પોઇન્ટની નજીકમાં જ બનેલા આ બનાવને પગલે વેપારીઓમાં ભારે ડર ફફડાટ વ્યાપી ગયો છે.


લાડલા જ્વેલર્સના દિપક લાડલાએ જણાવ્યું હતું કે, મને સવારે 6 વાગ્યાના આરસામાં દુકાનની ઉપર રહેતા મહિલાએ જાણ કરી હતી. તેમણે કહ્યું કે, દુકાનમાં કઇ થયું છે, તમે આવીને જાવ. મેં આવીને જોયું તો બધુ જેમ તેમ હતું. તિજોરીમાં 1.50 લાખ હતા અને ચાંદીનો 50 હજારથી વધુનો સામાન ગાયબ છે. આશરે 2 લાખથી વધુનો મુદ્દામાલ ગયો હોવાનું અનુમાન છે. મારી શોપમાં બીજી વખત ચોરી થઇ છે. અગાઉ વર્ષ 2009માં ચોરીની ઘટના સામે આવી હતી અને આજે ચોરી થઈ છે. આ અંગેની જાણ સોની બજારને એસોસિયેશનને પણ કરવામાં આવી છે. બધાને સવાલ છે કે, આટલી ભારી તિજોરી કેવી રીતે તોડીને ગયા! કોઈને ખબર નથી. આજુબાજુમાં CCTV નથી, કે આપણને ખબર પડે.


અન્ય વેપારી ફારૂક સોનીએ જણાવ્યું હતું કે, આ વડોદરા શહેરના ચાર દરવાજાનો ભરચક વિસ્તાર છે. પોલીસ પોઇન્ટથી 50 ડગલાં દુર જ આ દુકાન આવેલી છે. અહીં સોનીની દુકાનમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં નાની તિજોરી ઉંચકીને લઈ ગયા છે. લગભગ 2.50 લાખની ચોરી થઇ હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે. વેપારીઓમાં આ ચિંતાનો વિષય બન્યો છે. વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે ફફડી ઉઠ્યા છે. ચાર દરવાજા વિસ્તારમાં પોળો, સોનીની દુકાનો આવેલી છે. પોલીસ કમિશનર, ડીસીપીને વિનંતી કે, મોડી રાત્રે પોલીસનો બંદોબસ્ત મુકવામાં આવે તેવી માગ છે.

Share :

Leave a Comments