કરજણમાં કામ પર ગયેલા દંપતિના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, દાગીના-રોકડ સહિત 3.51ની મતા ચોરી ગયા

યોગીનગર સોસાયટીમાં બપોરના સમયે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું

MailVadodara.com - Thieves-raided-locked-house-of-working-couple-in-Karajan-stole-3-51-votes-including-jewelry-cash

વડોદરા જિલ્લાના કરજણમાં આવેલી યોગીનગર સોસાયટીમાં બપોરના સમયે તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાંથી રૂપિયા 3.51 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે કરજણ પોલીસે તપાસ હાથ ધરી .

મળેલી માહિતી પ્રમાણે 9-એ, યોગીનગર સોસાયટીમાં નિખીલભાઈ ભાઈલાલભાઈ પટેલ પત્ની સાથે રહે છે. નિખીલભાઈ ખેતી કરે છે. તેમની પત્ની તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે. દંપતિ મકાન બંધ કરીને પોતાના કામ ઉપર ગયા હતા. દરમિયાન બપોરના સમયે તેઓના ઘરમાં તસ્કરો ઘૂસી ગયા હતા. ઘરની તિજોરી-કબાટમાં મુકેલા સોના-ચાંદીના દાગીના ચોરીને ફરાર થઇ ગયા હતા.

કામ ઉપરથી પરત ફરેલા દંપતિએ મકાનના દરવાજાનું તાળું તૂટેલું જોતા ચોંકી ઉઠ્યા હતા. દંપતિએ ઘરમાં જઇ વધુ તપાસ કરતા તિજોરી-કબાટનો સામાન વેરવિખેર જોતા ઘરમાં ચોરી થયાનું જણાઇ આવ્યું હતું. તુરંત જ તેઓએ કરજણ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને પ્રાથમિક વિગતો મેળવી તસ્કરોની ભાળ મેળવવા માટેના ચક્રોગતિમાન કર્યા હતા. જોકે, પોલીસને તસ્કરોના કોઇ સગડ મળ્યા ન હતા.

આ બનાવ અંગે નિખીલભાઈ પટેલે કરજણ પોલીસ મથકમાં તસ્કરો ઘરમાંથી રૂપિયા 55 હજાર રોકડ, 25 ગ્રામનું એક મંગળસુત્ર,12 ગ્રામની સોનાની લકી, 7 ગ્રામની 1 જોડ સોનાની બુટ્ટી, 8 ગ્રામની સોનાની 4 નંગ વીંટીઓ, ચાંદીના પગના સાંકળા, ચાંદીની બંગડી મળી કુલ રૂપિયા 3.51 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. કરજણ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

યોગીનગર સોસાયટીમાં ધોળે દિવસે બનેલી ચોરીના બનાવે સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં ચકચાર જગાવી મૂકી હતી. તે સાથે સોસાયટીના રહીશોમાં ગભરાટ પણ ફેલાવી દીધો હતો. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે સોસાયટી વિસ્તારના સી.સી.ટી.વી. ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે. આ બનાવની વધુ તપાસ કરજણ પોલીસ મથકના પી.આઇ. એ.કે. ભરવાડ કરી રહ્યા છે.

Share :

Leave a Comments