તિરુપતી બાલાજી ગયેલા પરિવારના બંધ મકાનમાંથી દાગીના-રોકડ સહિત રૂા.2.44 લાખની મત્તાની ચોરી

ચોરોએ તરખાટ મચાવી ત્રણ સ્થળોએ રૂપિયા ૮.૪૫ લાખની મત્તા ચોરી ગયા

MailVadodara.com - Theft-of-Rs-2-44-lakh-including-jewelery-and-cash-from-the-closed-house

- આજવા રોડ, ન્યુવીઆઇપી રોડ અને વડસર રોડ પરની સોસાયટીના મકાનોને નિશાન બનાવ્યા, વિદેશી ચલણ પણ ઉઠાવી ગયા

તિરુપતી સહિત દક્ષિણ ભારતના ધાર્મિક પ્રવાસે ગયેલા પરિવારના આજવારોડ વિસ્તારના ઘરને નિશાન બનાવી ચોરો સોના-ચાંદીના દાગીના, રશિયા અને યુએઇનું ચલણ સહિતનો મુદ્દામાલ ઉઠાવી ગયા  હતાં. શહેરમાં ચોરોએ તરખાટ મચાવી ત્રણ સ્થળોએ કુલ રૂા.૮.૪૫ લાખની મત્તા ચોરી કરી હોવાની ફરિયાદો થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજવારોડ નવજીવન પાસે જનકલ્યાણ સોસાયટીમાં રહેતા મહેશ લક્ષ્મણભાઇ પરમારના પિતા અને બે ભાઇઓ નજીકમાં જ આવેલી ભુવનેશ્વરી સોસાયટીમાં રહે છે. તેમના પિતા અને ભાઇઓ સહિતનો પરિવાર ઘર બંધ કરીને તા.૭ના રોજ તિરુપતી બાલાજી સહિત દક્ષિણ ભારતના ધર્મસ્થાનોમાં દર્શન માટે ગયા છે. તા.૧૦ની સવારે મહેશભાઇ ઘેર હતા ત્યારે તેમના પિતરાઇ ભાઇએ જાણ કરેલ કે તમારા પિતાના ઘરનો દરવાજો ખુલ્લો છે તેમજ નકૂચો પણ તૂટેલો છે જેથી મહેશભાઇએ ત્યાં જઇને જોયું તો ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે તિરુપતી ગયેલા તેમના નાનાભાઇ ઉમેશને જાણ કરી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, યુએઇ અને રશિયા તેમજ ભારતની ચલણી નોટો મળી કુલ રૂા.૨.૪૪ લાખની મત્તા ચોરી થઇ હોવાની ફરિયાદ બાપોદ પોલીસમાં નોંધાવી હતી.

ચોરીના અન્ય બનાવમાં ન્યુ વીઆઇપીરોડ પર માઘવ રેસિડેન્સીમાં રહેતા કલ્પેશ ભીખુભાઇ પરમારના માતા અને પિતા નજીકમાં આવેલી દર્શનપાર્ક સોસાયટીમાં રહે છે. તા.૫ના રોજ માતા અને પિતા બંને પુત્રને મળવા કલ્પેશભાઇના ઘેર આવ્યા બાદ પિતાની તબિયત બગડતા તેઓ ત્યાં જ રોકાઇ ગયા હતાં. બીજા દિવસે સવારે કલ્પેશભાઇ માતા-પિતાના ઘેર ગયા ત્યારે મેઇન ગેટને મારેલો નકૂચો તૂટેલો જણાયો હતો જેથી ઘરમાં ચોરી થઇ હોવાનું જણાતા તેમણે અંદર જઇને જોતા સામાન વેરવિખેર પડેલો હતો અને તિજોરીમાં મૂકેલ સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ રૂા.૪.૧૧ લાખની મત્તા ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.

ચોરીના આ બનાવમાં માંજલપુરમાં વડસરરોડ પર આવેલી વસંત વિહાર સોસાયટીમાં રહેતા કિરણભાઇ જયંતિલાલ પંચાલ મકરપુરા જીઆઇડીસીમાં કિરણ એન્ટરપ્રાઇઝ નામની ફેબ્રિકેશનની કંપની ધરાવે છે. ગઇરાત્રે દશામાનું જાગરણ  હોવાથી મોડી રાત્રિ સુધી જાગ્યા બાદ નીચેના માળે તાળુ મારી તેઓ પરિવાર સાથે ઉપરના માળે ઊંઘી ગયા હતાં. પુત્રી સૃષ્ટિને કોલેજ જવાનું  હોવાથી તે વહેલી સવારે સાડા પાંચ વાગે ઊંઘમાંથી જાગીને નીચે આવી ત્યારે તાળું તૂટેલું જણાતા તેણે બૂમાબૂમ કરતાં ઘરના સભ્યો પણ જાગી ગયા હતાં અને ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર જણાયો હતો અને કુલ રૂા.૧.૮૦ લાખ રોકડની ચોરી થઇ  હતી. માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments