- ચોમાસા પૂર્વેની કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી આ થેલીઓ ઢાંકેલી રહેશે!
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે શહેરમાં ક્યુલેક્સ મચ્છરોનો ત્રાસ ન થાય તે માટે ગટરોની કેચ પીટ અને ખુલ્લી જાળીઓ સિમેન્ટની ખાલી થેલીઓથી ઢાંકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા આ કામગીરી દર વર્ષે કરવામાં આવે છે. ખુલ્લી જાળીઓ ઢાંકવાનું કામ શહેરના ચાર ઝોનમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી શરૂ કરવામાં આવ્યું છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આ કામગીરી થઇ રહી છે. શહેરમાં હજારો કેચ પીટ છે, અને ગટરમાં જ્યાં પાણી ભરાયેલા રહે છે ત્યાં સિમેન્ટની ખાલી થેલીઓ ઢાંકવામાં આવે છે. કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગમાંથી જેમ-જેમ ખાલી થેલીઓ મળતી જાય તેમ-તેમ ઢાંકવાની કામગીરી કરવામાં આવે છે. ચોમાસુ પુરૂ થતાં મચ્છરોને પાણી ભરેલા સ્થળો ઈંડા મુકવા માટે મળતા નથી. તેથી ગટરોમાં પાણી ભરેલી જગ્યામાં ઈંડા મૂકવાનું શરૂ કરે છે. આ માટે ગટરોની ખુલ્લી જાળીવાળી કેચ પીટમાંથી મચ્છરો ગટરોમાં ઘૂસે છે. ગટરના ગંદા પાણીમાં પેદા થતા મચ્છરો ક્યુલેક્સ પ્રકારના હોય છે. જેનો ત્રાસ ખૂબ જ અસહ્ય હોય છે, અને રાત્રે ગટરમાંથી બહાર નીકળીને ગણગણાટ કરે છે અને લોકોની ઊંઘ હરામ કરી દે છે. જે કરડતાં સખત ચચરાટ થાય છે. બીજા મચ્છર જેમ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનો રોગ ફેલાવે છે તેમ ક્યુલેક્સ મચ્છરોથી હાથીપગાનો રોગ ફેલાય છે, પરંતુ આપણે ત્યાં હાથી પગાના કોઈ કેસ નથી.
ઉલ્લેખનીય છે કે, આવા મચ્છરોનો ત્રાસ ન થાય તે માટે કેચ પીટ ઢાંકવાનું કામ દર વર્ષે કરાય છે, પરંતુ મચ્છરોનો ત્રાસ ઘટતો નથી. ઠંડી ઘટતાં ઉનાળાની શરૂઆત થતાં સુધી ઠંડી ગરમીની ડબલ સિઝનમાં આ મચ્છરો ખૂબ પેદા થાય છે. કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વેની કામગીરી શરૂ ન થાય ત્યાં સુધી આ થેલીઓ ઢાંકેલી રહેશે. જ્યારે આ કામ શરૂ થશે ત્યારે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ આડે આ થેલીઓ અવરોધ રૂપ ન બને તે માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કાઢી નાખવામાં આવશે.