- લારી ઉપાડવાની નહોતી તો લાવ લશ્કર લઈને જવાની શી જરૂર હતી ?
- દબાણ શાખા પર લારી નહીં ઉપાડવા કોનું દબાણ આવ્યું ?
- દબાણ શાખા મુઠ્ઠીભર નેતાઓના ઈશારે કામ કરે છે..!!
વડોદરા મહાનગર પાલિકાના દબાણ શાખાની કામગીરી હંમેશા શંકાના દાયરામાં આવે છે. રેલવે પોલીસ પરેડ પાછળ મોટા ઉપાડે લાવ લશ્કર લઈને લારી ઉઠાવવા ગયેલી દબાણ શાખાની ટીમ લારી ઉઠાવ્યા વગર પાછી ફરી હતી.
વહીવટી તંત્રના પાપે લોકોની ફરિયાદો સામે કાર્યવાહી થતી નથી અને સમસ્યાઓ યથાવત રહે છે. બીજી તરફ તકલીફો ભોગવતા લોકોની વેદના સામે ધૂતરાષ્ટ્ર બનેલા શાસકો વિકાસના ઢોલ વગાડતા રહે છે. જંબુબેટ નજીક આવેલા રેલ્વે પોલીસ પરેડ ગ્રાઉન્ડની દીવાલને અડીને લારીઓના દબાણનો ત્રાસ વધી ગયો હતો. આ દરમ્યાન લારીના દબાણ સામે ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે દબાણ શાખાની ટીમ લાવ લશ્કર લઈ મંગળવારે બપોરે સ્થળ પહોંચી હતી. જો કે દબાણ શાખાની ટીમ લારીના દબાણો હટાવવાને બદલે લારી ધારકોને લારી ત્યાંથી હટાવી લેવાની સૂચના આપી હતી. આશ્ચર્ય વચ્ચે એક ટ્રક અને એક મોટા વાહન સાથે આવેલી દબાણ શાખાના અધિકારીની ટીમ લાવ લશ્કર સાથે લારીઓ ઉઠાવ્યા વગર જતી રહી હતી.
આ અંગે અમે દબાણ શાખાના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલ સાથે વાત કરી હતી. જો કે કેમેરા સામે આવ્યા વગર તેમણે જણાવ્યું હતું કે હું તપાસ કરાવી લઈશ.
અહીં સવાલ એ છે કે જો લારી ઉપાડવાની ન હતી તો લાવ લશ્કર લઈને જવાની શી જરૂર ? લારી ગલ્લાના દબાણો ઉઠાવી લેતી દબાણ શાખા પર કોનું દબાણ આવ્યું ? શું દબાણ શાખાના અધિકારીઓના નબળા સુપરવિઝનનો આ બોલતો પુરાવો નથી ?
દબાણ શાખાની કામગીરી સામે હંમેશા સવાલો કેમ ઉઠે છે ? શું દબાણ શાખા મુઠ્ઠીભર નેતાઓના ઈશારે કામ કરે છે ? શું મ્યુ. કમિશનર થી માંડીને ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવા બ્લૅન્ડર નજરમાં નહીં આવતા હોય ?