- ભોગ બનનાર સગીરાને ૬ લાખ વિક્ટીમ કમ્પેન્સેશન ફંડમાંથી ચુકવવાનો હુકમ કરાયો
ગોરવા વિસ્તારમાં ૨૦૨૨ના એપ્રિલ મહિનામાં સગીરાનું અપહરણ કરીને વારંવાર દુષ્કર્મ આવ્યું હતુ આ મામલામાં અદાલતે આજે ફેંસલો આપ્યો હતો અને નરાધમને 20 વર્ષની સજા અને ભોગ બનેલી સગીરાને 6 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
ગોરવાના પંચવટી વિસ્તારમાંથી ૨૦૨૨ની ૧૩મી એપ્રિલે રાત્રે નવ વાગે પરિવાર સુઈ ગયું હતુ. વહેલી સવારે પરિવારજનો જાગ્યા ત્યારે તેમની એક ૧૩ વર્ષની દિકરી ઘરમાં ન હતી. આજુબાજુમાં પરિવારજનોએ તપાસ કરતાં તે મળી આવેલી ન હતી. તપાસ કરતાં પરિવારજનોને જાણ થઈ કે સુરપાલ ઉર્ફે અપ્પુ તેને ભગાડી લઈ ગયો છે. સગીરાને ભગાડી જનાર સુરપાલ ઉર્ફે અપ્પુ રાકેશભાઈ કોળી પટેલની સામે ગોરવા પોલીસ મથકમાં સગીરાના પરિવારજનોએ ફરિયાદ આપી હતી. સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયા બાદ ધરમપુરી ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠામાં લઇ જઇને બાળા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ગોરવા પોલીસે સુરપાલ ઉર્ફે અપ્પુની ધરપકડ કરીને તેની સામે વડોદરાના સ્પે. પોક્સો જજ અને ચોથી એડી. સેસન્સ જજ પ્રિયંકા અગ્રવાલની કોર્ટમાં ચાર્જશીટ મૂકી હતી.
અદાલતમાં આ અંગે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવીને બળાત્કારના મામલે વીસ વર્ષની સખ્ત કેદની સજા તથા દસ હજારનો દંડ ફટકાર્યો હતો. અદાલતે એ ટાંક્યુ હતુ કે, સગીરાના સોળ વર્ષ કરતાં ઓછી ઉંમર હોવાથી પોક્સો હેઠળ સજાની જોગવાઈ વીસ વર્ષ કરતાં ઓછી સજા થઇ શકતી નથી. પરંતુ આજીવન કેદ સુધી લંબાવી શકાય તેવી અને દંડની જોગવાઈ છે. અદાલતે આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને રૂપિયા ૬ લાખ વિક્ટીમ કમ્પેન્સેશન ફંડમાંથી ચુકવવાનો હુકમ કરવામાં આવે છે.