મફતિયા કાજુ લેવા નીકળેલા વહીવટદારને દુકાનદારે મચક નહીં આપતાં નાણાં ચુકવવા પડ્યા..!

પોલીસ વિભાગમાં વહીવટદારોની બોલબાલા...!

MailVadodara.com - The-administrator-who-went-out-to-get-free-cashew-nuts-had-to-pay-the-money-because-the-shopkeeper-did-not-give-any-money

- ઉચ્ચ અધિકારી માટે પાંચ કિલો કાજુ મફત માંગ્યા બાદ દુકાનદારે  નાણાં માંગતા એક કિલો પર આવી ગયા અને નાણાં ચુકવ્યા..!

- વહીવટદારે  બુટલેગરને ફોન કરી નાણાં ચુકવવા કહ્યું..!!


સંવેદનશીલ પૈકી એક પોલીસ મથકના વિસ્તારમાં એક ઉચ્ચ અધિકારી ના વહીવટદાર મફત કાજુ લેવા નીકળ્યા હતા. જો કે દુકાન માલિકે મફત કાજુ આપવાનો ઇન્કાર કર્યો હતો. છેવટે  વહીવટદારે કાજુની કિંમત ચૂકવવી પડી હતી.

          આધારભુત વર્તુળોથી મળતી માહિતી મુજબ સંવેદનશીલ પોલીસ મથક પૈકી ના એક પોલીસ મથકના વિસ્તારમાં એક વહીવટદાર મફત કાજુ લેવા નીકળ્યા હતા. મોટા પેટ વાળા આ મહાશયે  પોળમાં આવેલી એક દુકાનમાં જઈ ઉચ્ચ અધિકારીએ કાજુ મંગાવ્યા છે  એમ કહી પાંચ કિલો કાજુ પેક કરવાનું કહ્યું હતું. દુકાનદારે  હિસાબ કરી પાંચ કિલો કાજુની કિંમત ગણી કેટલા રૂપિયા ચુકવવા પડશે તે જણાવ્યું હતું. દુકાનદારે નાણાં માંગતા વહીવટદારે ઉચ્ચ અધિકારીનું નામ આપી ફરી એકવાર મફત કાજુ આપી દેવા કહ્યું હતું. જો કે દુકાનદારે મફત કાજુ આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.  નાણાં ચુકવવા પડે એવી પરિસ્થિતિ સર્જાતા પાંચ કિલો કાજુ લેવા નીકળેલા વહીવટદાર એક કિલો કાજુ પર આવી  ગયા હતા. જો કે એક કિલો કાજુ ના નાણાં વહીવટદારે ચુકવ્યા ન હતા. વહીવટદારે  એક બુટલેગર ને ફોન કરી દુકાનદાર ને નાણાં ચુકવવા  કહ્યું હતું. બુટલેગરે મુળ કિંમત કરતાં રૂપિયા બસો ઓછા ચૂકવતા  દુકાનદારે વહીવટદારને ફોન કરી બાકી નાણાંની ઉઘરાણી કરી હતી. છેવટે બાકીના નાણાં ચુકવવા પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વહીવટદાર અગાઉ એક પોલીસ મથકના એક ફોજદારના વહીવટદાર રહી ચુક્યા છે. વહીવટદારે  દુકાન માલિક પર પોલીસની ઘોસ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે દુકાન માલિકના નજીકનાં સંબંધી વકીલ હોવાથી  વહીવટદારની દાળ ગળી ન હતી. ભૂતકાળમાં આ વહીવટદાર સામે ઈંકવાયરી પણ થઈ ચુકી છે,અને તેમની બદલી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે   કરવામાં આવી હતી. આમ આ  વહીવટદારની કરતૂત ચર્ચાનો વિષય બન્યો હતો.

- આ વહીવટદારની અગાઉ  પોલીસ હેડ ક્વાર્ટર ખાતે  બદલી થઈ ચુકી છે...!!

Share :

Leave a Comments