વડોદરાના રાવપુરા ટાવર રોડ પર પટેલ પેન્ટની ગલીમાં આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે.
વડોદરામાં શનિવારે મોડી રાત્રે 2:30 વાગે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં ચોરી કરવાનો પ્રયત્ન થતા એટીએમના મેન કન્ટ્રોલ રૂમ તરફથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર જઈને ચોરીનો પ્રયાસ કરતા હર્ષ મહેશભાઈ રાજમલ (રહેવાસી દત્તનગર રણમુક્તેશ્વર મંદિર પાસે, વિહાર ટોકીઝ. મૂળ રહેવાસી, સાઈબાબા હાઉસિંગ સોસાયટી, કારેલીબાગ)ને ઝડપી પાડ્યો હતો. આરોપીએ એટીએમ મશીનનો ફાઇબર હુડ તથા વાયર કનેક્શન તોડી નાખ્યા હતા અને 90,000 નું નુકસાન કર્યું હતું. પરંતુ એટીએમમાં જ્યાં રોકડા રૂપિયા મૂકવામાં આવે છે તે પેટી તૂટી ન હતી. બનાવ અંગે સ્ટેટ બેંકના બ્રાન્ચ મેનેજરએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.