વડોદરામાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪’ અભિયાનનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે આજરોજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર બીજલ શાહની અધ્યક્ષતામાં આયોજન સંદર્ભે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.
બેઠકમાં જિલ્લાના તમામ વિભાગને તેમજ સંકલનના તમામ અધિકારીઓ તેમજ એનજીઓના પ્રતિનિધિઓને સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નાગરિકોના સહયોગથી વડોદરા જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે કલેક્ટરએ તાકીદ કરી હતી.
આ બેઠક દરમિયાન કલેક્ટરએ ‘સ્વચ્છતા હી સેવા’ અંર્તગત દૈનિક ધોરણે સ્વચ્છતાની કરવાની થતી પ્રવૃતિઓ અને તેની કામગીરીનો સોશિયલ મિડીયામાં પ્રચાર–પ્રસાર થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. વધારેમાં વધારે લોકો આ અભિયાનમાં જોડાય તે માટે લાઈઝનીંગ અધિકારીઓને વિવિધ રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શન પણ આપ્યું હતું.
વધુમાં કલેક્ટર દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવનાર સ્વચ્છતાની કામગીરી અંગે ઝીણવટપૂર્વક ચર્ચા કરી તમામ શાખાને જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મતી મમતા હિરપરા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધી દૈનિકધોરણે કરવાની થતી મુખ્ય પ્રવૃત્તિઓઓની ચર્ચા કરવામાં આવી હતી તેમજ અભિયાન અંતર્ગત કરવામાં આવનાર કામગીરીની વિસ્તૃત છણાવટ કરવામાં આવી અને તાલુકા વિકાસ અધિકારીઓને ખાસ સૂચન કરવામાં આવ્યા હતા.
સ્વચ્છતા અભિયાન થકી જાહેર સ્થળો, પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો આસપાસના સામુદાયિક સ્વચ્છતા સંકુલોની સફાઈ અને તેમજ પ્લાસ્ટિકમુક્ત વડોદરા અંગે જાગૃતિ કાર્યક્રમો હાથ ધરાશે. આ ઉપરાંત કચરામાંથી કંચન (વેસ્ટ ટુ વેલ્થ), રિસાયક્લિંગ અને પુનઃઉપયોગ અંગે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિમાંશુ પરીખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લાના તમામ લાયઝન અધિકારી તથા અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.