આજે રામનવમીના પાવન પ્રસંગે વડોદરા શહેરના વિવિધ ભગવાન શ્રીરામ અને હનુમાનજીના મંદિરે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના હરણી સ્થિત આવેલ પૌરાણિક અને પ્રસિદ્ધ ભીડભંજન હનુમાન મંદિર ખાતે આજરોજ રામ જન્મ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 11.00 વાગે રામ નામના પાઠ કરવામાં આવ્યા જ્યારે શ્રીરામ ભગવાનના જન્મ ઉત્સવ માટે વિશેષરૂપે મંદિર પ્રશાસન દ્વારા સુવર્ણ જડિત સિંહાસન બનાવવામાં આવ્યું છે. જેનું મુખ્ય કારણ ભગવાન શ્રીરામના ઇષ્ટદેવ સૂર્ય છે અને તેઓ સૂર્યવંશી રામ તરીકે ઓળખાય છે તેમજ અવધી પદ્ધતિ અનુસાર તેઓના મુકુટ અને વસ્ત્ર તેઓને ધારણ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે હરણી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને રામ જન્મ ઉત્સવમાં સભા થઈ ધન્યતા અનુભવી હતી.
શહેરના કાલાઘોડા, અમદાવાદી પોળ, પત્થરગેટ સહિતના વિસ્તારોમાં આવેલા સુપ્રસિદ્ધ રામજી મંદિરે બપોરે 12 કલાકે ભગવાન શ્રીરામના જન્મોત્સવ અંતર્ગત મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. બહોળી સંખ્યામાં આજે રામ મંદિરે દર્શનાર્થે ભક્તોની ભીડ જોવા મળી હતી. વડોદરા શહેર એક સંસ્કૃતિ નગરી સાથે ધર્મપ્રિય નગરી હોવાથી અહીં આજે સાંજે વિવિધ વિસ્તારોમાં ભગવાન શ્રીરામની સવારીઓ યોજવાનું વિવિધ હિન્દુ ધાર્મિક સંગઠનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.