- તસ્કરોએ રસોડાના પ્લેટફોર્મના ડ્રોવરમાંથી ચણા ખાધા
- એક તસ્કર લાકડીનો દંડો લઈને ફરતા નજરે પડ્યો, ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
વડોદરામાં વરસાદી માહોલ ટાણે પોલીસના રાત્રી પેટ્રોલિંગના તસ્કરો લીરેલીરા ઉડાવતા હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ કારેલીબાગ પાયલ પાર્ક સોસાયટીના A-52 નંબરના NRIના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઈકો કારમાં આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. જોકે, તસ્કરોએ ઘરનો માલ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. પરંતુ કંઈ પણ હાથ નહિ લાગતા ચોરીનો નિ:ષ્ફળ પ્રયાસ રહ્યો હતો.
વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટકતાં પોલીસની રાત્રી દરમિયાન પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઉઠ્યાં છે. કારેલીબાગ વીઆઈપી રોડ બ્રાઇટ સ્કૂલ પાસે આવેલી પાયલપાર્ક સોસાયટીમાં NRIના A-52 નંબરના મકાનમાં મોડી રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી. આ તસ્કરો ઈકો કાર લઈને આવ્યા હતા. પહેલા સમગ્ર સોસાયટીમાં રેકી કરી બાદમાં NRIના બંધ મકાનમાં પ્રવેશ્યા હતા. જ્યાં તિજોરી, કબાટ, લોકરનો સામાન વેર વિખેર કરી નાખ્યો હતો.
હાલ પરિવાર રહેતો નહિ હોવાથી તસ્કરોને કઈ પણ કિંમતી સર સામાન હાથ ન લાગતાં તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. જોકે તસ્કરોએ રસોડાના પ્લેટફોર્મના ડ્રોવરમાંથી ચણા ખાધા હતા. જ્યારે એક તસ્કર હાથમાં લાકડીનો દંડો લઈને ફરતા નજરે પડ્યો હતો. તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જોકે આ તસ્કરોના તરખાટથી સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો છે. બનાવ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ પાયલ પાર્ક સોસાયટી ખાતે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.