વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સાધનાનગર સોસાયટીમાં રહેતા દંપતી અમેરિકાથી આવેલા મિત્રને મળવા માટે ડભાઉ ખાતે ગયા હતા. ત્યારે તસ્કરો વૃદ્ધ દંપતીના ઘરમાં ત્રાટક્યા હતા અને તિજોરીમાંથી મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 2.68 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
શહેરના કારેલીબાગ સાધનનગર સોસાયટી રત્નકુંજમાં રહેતા શૈલેષભાઇ ચુનીલાલ શાહ (ઉ.વ.64) તેમની પત્ની સાથે રહી નિવૃત જીવન ગુજારે છે. તેઓ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત 25 ફેબ્રુઆરીના રોજ બપોરના આશરે સવા બે વાગે અમારા ઘરને તાળુ મારી ડભોઉ ગામ ખાતે મારો મીત્ર અમેરીકાથી આવ્યો હોય તેને મળવા માટે ગયા હતા. ત્યાથી અમે બધા સફેદ રણોત્સવ તથા આજુ-બાજુના જોવા લાયક સ્થળોએ પ્રવાસે ગયા હતા. ત્યારબાદ 1 માર્ચના રોજ સવારના આશરે આઠેક વાગ્યાના અરસામાં અમારા મકાનના પહેલા માળે રહેતા મારા ભાઇ યોગેશ સોલંકીનો અમારા મોબાઇલ ફોન ઉપર ફોન આવ્યો હતો ત્યારે તેઓ જણાવ્યું હતું કે તમારા ઘરનો નકુચો તુટેલો અને ઘરનો દરવાજો પણ ખુલ્લો છે. અંદર ઘરનો સર-સામાન વેર વિખેર હાલતમા પડેલો છે. જેથી અમે ડભોઉ ખાતેથી ઘરે આવી તપાસ કરતા બેડરૂમ ની તિજોરીમાં મુકેલો સામાન વેર વિખર કરી નાખેલો હતો. ગલ્લામાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા બે લાખ મળી 2.68 લાખની મતા તસ્કરો લઇને ફરાર થઇ ગયા હતા. કારેલીબાગ પોલીસે વૃદ્ધની ફરીયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.