- પંખા સાફ કરવા માટે બેડ ખાલી કરાવી સ્ટાફે ચાલુ સારવારે દર્દીને હાથમાં બાટલા પકડાવી દીધા..!?
વડોદરા અને મધ્ય ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સયાજી હોસ્પિટલમાં રોજ બરોજ હજારો દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે ક્યાંક સુવિધાઓમાં ઉણપ ન રહે તે માટે આજે આરોગ્ય સચિવની મુલાકાત પૂર્વે હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું. જ્યાં સફાઈ નહોતી ત્યાં સ્વચ્છતા, એનસીઓટીમાં રાતોરાત એસી લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ હોસ્પિટલમાં રંગરોગાન અને સાફ સફાઈ યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. પંખા સાફ કરવા માટે સ્ટાફે દર્દીઓને તેમના હાથમાં બાટલા પકડાવી દીધા હતા અને બીજા સ્થળે ખસેડયા હતા.
દરરોજ હોસ્પિટલની બહાર ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો જોવા મળતો હોય છે. પરંતુ આરોગ્ય સચિવની મુલાકાતથી આજે ખાનગી એમ્બ્યુલન્સ ઓછી જોવા મળી હતી. હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય સચિવે મીડિયા સમક્ષ બોલવાનો ઇન્કાર કર્યો હતો અને આ રૂટિન મુલાકાત છે તેવું કહી વાત નકારી હતી.
મુલાકાત પૂર્વે જ સાફ સફાઈ કરી રહેલા કર્મચારીઓ દ્વારા દર્દીને એક સ્થળેથી બીજા સ્થળે ચાલુ સારવારે લઈ જતા દર્દીના હાથમાં બોટલ લઈને ફરતા નજરે પડ્યા હતા. આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદી મુલાકાતે પહોંચે તે પૂર્વે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી હતી. હાલમાં સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એનસીઓટી, આઈસીયુ સહિત હોસ્પિટલમાં ચાલી રહેલા રિનોવેશન અંતર્ગત મુલાકાત હોવાનું પ્રાથમિક માહિતી જાણવા મળી છે.
આ મુલાકાત પૂર્વે હોસ્પિટલમાં અગાઉથી મળનારી સુવિધાઓ કોઈ સચિવ મુલાકાત લે ત્યારે જ તંત્ર હરકતમાં આવે તે કેટલું યોગ્ય છે. આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે, જ્યાં સુધી કોઈ વિભાગીય અધિકારી આવીને મુલાકાત ન લે ત્યાં સુધી આવી જ સ્થિતિ રહેતી હશે તે સૌથી મોટો
સવાલ છે. આ દરમિયાન દર્દીઓમાં ગણગણાટ હતો કે, આવી મુલાકાત દર મહિને થવી જોઈએ, જેથી સારવાર લઈ રહેલા દર્દીઓને યોગ્ય સુવિધાઓ મળી રહે.