વડોદરામાં દુકાનમાંથી ખરીદી કરવા ગયેલી મહિલાના મોપેડની ડીકીમાંથી રૂા.1 લાખ અને ચેકબુકની ચોરી

કંપનીમાં એકાઉન્ટન્ટની નોકરી કરતી મહિલાએ પ્રતાપનગર ખાતે બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા હતા

MailVadodara.com - Rs-1-lakh-and-checkbook-stolen-from-the-trunk-of-a-womans-moped-when-she-went-shopping-from-a-shop-in-Vadodara

શહેરના નરસિંહ એસ્ટેટ ખાતે આવેલી તૃપ્તી સેલ્સ એજન્સીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી યુવતીએ એજન્સીના 1 લાખ રૂપિયા પ્રતાપનગર ખાતે આવેલી બેંકમાંથી ઉપાડીને મોપેડની ડિકીમાં મૂકીને દુકાનમાંથી ખરીદી કરવા માટે ગઈ હતી. આ દરમિયાન ડિકીમાંથી રોકડ રકમ અને ચેક બુકની ચોરી થઈ હતી. આ મામલે મહિલાએ વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર શહેરના મકરપુરામાં આવેલી શિવમ કોમ્પ્લેક્ષમાં રહેતા સંજનાબહેન જેઠવા નરસિંહ એસ્ટેટ ખાતે આવેલી તૃપ્તી સેલ્સ એજન્સીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગત શુક્રવારે બપોરે 11 વાગ્યાના અરસામાં તેમની ઓફિસમાં કામ કરતા મનિષાબહેન પટેલને સાથે લઈને પ્રતાપનગર ખાતે આવેલી બેંકમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. બેંકમાંથી એક લાખ રૂપિયા ઉપાડીને મોપેડની ડિકીમાં મૂકીને તેઓ પ્રતાપનગર ત્રણ રસ્તા પાસે આવેલી દુકાને બિસ્કીટનું બોક્સ લેવા માટે ગયા હતા.

સંજનાબહેન મનિષાબહેનને મોપેડ પાસે ઉભા રાખીને બિસ્કીટનું બોક્સ લેવા માટે ગયા હતા. થોડા સમયમાં મનિષાબહેન સંજનાબહેન પાસે આવ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, આપણે સાબુ પણ લેવાના છે. ખરીદી કરીને તેઓ પરત ઓફિસ પહોંચ્યા ત્યારે સંજનાબહેને જ્યારે મોપેડની ડીકી ખોલી ત્યારે 1 લાખ રોકડ રકમ અને કંપનીની ચેક બુક હતી નહીં. જેથી તેઓએ આ વિશે કંપનીના માલિકને રોકડ અને ચેકબૂકની ચોરી વિશેની વિગતે જણાવ્યું હતું અને તપાસ કરી હતી. જે બાદ સંજનાબહેને આ બાબતે વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Share :

Leave a Comments