- લાલ કલરના થાપા મારી પ્રશાસન અને ઉપર બેઠેલા લોકોને જગાડવાની પ્રયાસ કર્યો
- અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સે ‘મૈં ભી ચોકીદાર’ના પોસ્ટર લગાવી ચોકીદારી કરી
ગુજરાતભરમાં છેલ્લા પાંચ દિવસથી રેસિડેન્ટ તબીબો કોલકાતાની ચકચારી મહિલા ડોક્ટર સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટના અને પોતાની સુરક્ષાને લઈ વિરોધ કરી રહ્યાં છે. આજે 20 ઓગસ્ટને મંગળવારે હડતાળના પાંચમાં દિવસે વડોદરાની સયાજી હોસ્પિટલમાં અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સે ‘મૈં ભી ચોકીદાર’ના પોસ્ટર લગાવી ચોકીદારી કરી હતી. આ વિરોધથી ડોક્ટરો પર થતી હિંસાને પગલે સુરક્ષા વધારવાની માગ કરી હતી. ઉપરાંત રેસિડેન્ટ ડોક્ટરોએ સફેદ કપડા પર લાલ થાપા મારીને ડોક્ટરો પર થઈ રહેલી હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આ અંગે UG સ્ટુડન્સ સોહન સોંદરવાએ જણાવ્યું હતું કે, અમારા માટે સયાજી હોસ્પિટલમાં જે સિક્યોરિટી આપવામાં આવી છે, તે પુરતી નથી. અમારા રેસિડેન્ટ ડોક્ટર્સને પુરતી સુરક્ષા મળતી નથી. અમે લોકોએ ‘મેં ભી ચોકીદાર’ તરીકે સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં ચોકીદારી કરીને સયાજી હોસ્પિટલની સુરક્ષા કરીએ છીએ. રેસિડેન્સ ડોક્ટર્સને પુરતી સિક્યોરિટી મળવી જોઇએ અને યોગ્ય રીતે તેનું સંચાલન કરવું જોઇએ.
રેસિડેન્સ ડોક્ટર ધાર્મિક સોલંકીએ જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં જે સિક્યોરીટી છે, તે પુરતા પ્રમાણમાં નથી, જેથી અમારી હડતાળ ચાલી રહી છે. રેસિડેન્સ ડોક્ટર્સ રાત-દિવસ દર્દીઓની સારવાર કરે છે, ત્યારે અમને લાગે છે કે અમને પુરતી સુરક્ષા મળી રહી નથી. અમે પ્રશાસન અને તેમની ઉપર બેઠેલા લોકોને જગાડવાના માટે આજે અમે મેં ભી ચોકીદાર તરીકે વિરોધ કર્યો છે. અમે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે, પ્રશાસને બનાવેલા ગેટની સુરક્ષા અમે કરીશું.
રેસિડેન્સ ડોક્ટર હર્ષિત તલેસરાએ જણાવ્યું હતું કે, આ સફેદ કપડું એ ડોક્ટરને દર્શાવે છે અને એના ઉપર લાલ હાથના થાપા અમે માર્યા છે, એ ડોક્ટર ઉપર થયેલી હિંસાના કેટલા કિસ્સા દર્શાવે છે. સફેદ કપડું કદાચ ભરાઈ જાય, પરંતુ ઘટના અટકવાનું નામ લેતી નથી. માટે અમે તંત્રને જગાડવાનો પ્રયાસ કરીએ છીએ કે, અમારા ડોક્ટરની સિક્યોરિટીમાં હાથ જે રક્તરંજીત થઇ ગયા છે, એના માટે કોઇ કડક પગલા ભરે અને અમારી સિક્યોરિટી અમને આપે. અમે કોઇ લક્ઝરીની માંગ કરી રહ્યા નથી. અમે બેઝિક માંગ કરીએ છીએ, જે પુરી થવી જ જોઇએ.
રેસિડેન્સ ડોક્ટર નેસર્ગી પટેલે જણાવ્યું હતું કે, અમે ‘મેં ભી ચોકીદાર’ બનીને સયાજી હોસ્પિટલની સુરક્ષા કરી શકીએ છીએ તો પ્રશાસન કેમ નથી કરતું? અમે આજે લાલ હાથ કરીને અમારી સુરક્ષા માટે અમારી એકતા બતાવવાનો પ્રયાસ કર્યો છે.
ઉલ્લેખનિય છે કે, વડોદરાની સયાજી હોસ્પિટલમાં માત્ર 129 સિક્ટોરિટી ગાર્ડ છે અને તેના ભરોસે રેસિડેન્ટ ડોક્ટર અને દર્દીઓ છે. આટલી સુરક્ષા પુરતી ન હોવાના મુદ્દે ગઇકાલે રેસિડેન્સ તબીબોએ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો અને આજે તેનો અનોખી રીતે વિરોધ કર્યો છે.