વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પેરોલ પર છુટ્યા બાદ ફરાર થયેલો દુષ્કર્મનો આરોપી ગાંધીનગર પાસેથી ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચની પેરોલ-ફર્લોની ટીમે આરોપીની તેના ઘરેથી ધરપકડ કરી

MailVadodara.com - Rape-accused-absconding-after-being-released-on-parole-from-Vadodara-Central-Jail-nabbed-from-Gandhinagar

- કઠલાલ પોલીસ સ્ટેશનના પોક્સોના કેસનો આરોપી નરેન્દ્રસિંહ જેણસિંહ ઉર્ફે જેડમસિંહ ચૌહાણને દુષ્કર્મ-પોક્સોના ગુનામાં 20 વર્ષની સજા ભોગવતો હતો

દુષ્કર્મ અને પોક્સો એક્ટના ગુનામાં 20 વર્ષની સજા દરમિયાન પેરોલ રજા પર ગયા બાદ ફરાર થયેલા રીઢા કેદીને ગાંધીનગર જિલ્લાના દોલતપુરા લવાડ ગામમાંથી વડોદરા ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. જેને વડોદરા સેન્ટ્રલ જેલને સોંપ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશનના પોક્સોના કેસના આરોપી નરેન્દ્રસિંહ જેણસિંહ ઉર્ફે જેડમસિંહ ચૌહાણ (રહે. ગામ ધોળાકુવા કોસમ તા. કપડવંજ જિ. ખેડા, મૂળ ગામ દોલતપુરા લવાડ તા. દહેગામ જિ. ગાંધીનગર)ને કોર્ટ દ્વારા 20 વર્ષની કેદની સજા તેમજ 1 લાખ રૂપિયાનો દંડ તેમજ દંડ ન ભરવા બદલ વધુ 300 દિવસની સજા ફરમાવી હતી. આ પાકા કામના કેદીને વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો.

આ દરમિયાન કેદીને ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે તા. 03/08/2024ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલથી 7 દિવસની પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેને તા. 11/08/2024ના રોજ પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ કેદી જેલમાં નિયત તારીખે પરત હાજર થયો નહોતો અને ફરાર થઇ ગયો હતો. જેથી વડોદરા મધ્યસ્થ જેલ તરફથી કેદીને શોધી કાઢવા માટેના મળેલ પત્ર આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેની ટેક્નિકલ અને હ્યુમન સોર્સ આધારે શોધખોળ શરૂ કરી હતી.

આ દરમિયાન ફરાર કેદી હાલ તેના મૂળ ગામ દોલતપુરા લવાડ ખાતે હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પેરોલ-ફર્લોની ટીમ દોલતપુરા લવાડ પહોંચી ગઈ હતી અને વોચ રાખીને તપાસ કરી હતી. કેદીને તેના ઘરેથી શોધી કાઢ્યો હતો અને તેની ધરપકડ કરી હતી. જે બાદ તેને ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments