- દિવ્ય સીમંધર કોન્ટ્રાકટરે R&B વિભાગને અંધારામાં રાખ્યા..?
- રૂ.૧૨કરોડના રોડના ભુક્કા બોલી ગયા આમ છતાં અધિકારીઓને રીપેર કરવા માત્ર ની સૂચના આપી..!
વડોદરા થી વાઘોડિયા તરફ જવાનો રોડ માત્ર બે માસમાં તૂટી જતાં હવે રોડનું રીપેરીંગ કામ કોન્ટ્રાકટરે જ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. રૂપિયા ૧૨ કરોડના ખર્ચે બનેલો રોડ વડોદરા મહાનગર પાલિકામાં બ્લેક લિસ્ટ થયેલા દિવ્ય સીમંધર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાકટરે બનાવ્યો હતો.
વડોદરા શહેરથી વાઘોડિયા ગામ તરફ જતો ચાર માર્ગીય રોડ બે માસમાં તૂટીને ભુક્કો થઈ ગયો હતો. ૧૨ કિલોમીટરના રોડ પર ૪.૧ કિલોમીટરનો રોડ CGBM ટેક્નોલોજી મુજબ બન્યો હતો જેનો ખર્ચ રૂપિયા બે કરોડ થયો હતો. CGBM ટેક્નોલોજી એટલે સિમેન્ટેડ ગ્રાઉન્ટેડ બીટ્યુમિન મિક્ષ. આ અત્યાધુનિક ટેકનોલોજી મુજબ બનતા રોડ સામાન્ય રોડ કરતા મજબૂત અને વધુ ટકાઉ હોય છે. જો કે CGBM ટેક્નોલોજીથી બનેલો રોડ માત્ર બે માસમાં તૂટી ગયો હતો. રોડ અને બિલ્ડીંગ શાખાના જિલ્લા વિભાગે રોડ બનાવવાનું કામ દિવ્ય સીમંધર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ ને સોંપ્યું હતું. અહીં મહત્વનું એ છે કે દિવ્ય સીમંધર નામના કોન્ટ્રાકટરને વડોદરા મહાનગર પાલિકાએ બોગસ બિલ રજૂ કરવાના કારણે બ્લેક લિસ્ટ કર્યો હતો. હવે જયારે ગરબડ ગોટાળા કરતા કોન્ટ્રાક્ટરને કામ સોંપાય ત્યારે પરિણામ અપેક્ષિત હોય, અને અપેક્ષા મુજબ રોડ તૂટી ગયો. ભ્રષ્ટાચારની ચાડી ખાતા નબળા કામનો પર્દાફાશ થતા રોડ અને બિલ્ડીંગ વિભાગે રોડનું રીપેરીંગ દિવ્ય સીમંધર કન્સ્ટ્રક્સનને પૂરું કરવાનો આદેશ કર્યો છે. રોડ અને બિલ્ડીંગ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે કોન્ટ્રાક્ટરને આદેશ કરી દીધો છે કે સંપૂર્ણ રોડનું રીપેરીંગ કામ પોતાના ખર્ચે ક વરસાદ રોકાય એટલે કરી દેવું. અહીં સવાલ એ છે કે ભ્રષ્ટાચારની ચાડી ખાતા રોડની કામગીરી બ્લેક લિસ્ટ કોન્ટ્રાકટરને કેમ સોંપવામાં આવી ? કોન્ટ્રાકટર પોતે બ્લેક લિસ્ટ છે એની જાણ એને રોડ એન્ડ બિલ્ડીંગ ને કેમ ના કરી ? અધિકારીઓએ કોન્ટ્રાક્ટ આપતા પહેલા ખાત્રી કેમ ના કરી ? કોન્ટ્રાકટરની ચાલમાં અધિકારીઓ છેતરાઈ ગયા ? કોન્ટ્રાકટર બ્લેક લિસ્ટ હોવાની જાણ થયા બાદ કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કેમ ના થઈ ? ૧૨ કરોડનો રોડ માત્ર બે માસમાં ધોવાઈ ગયો આમ છતાં કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કે નથી થતી ? કોન્ટ્રાક્ટરના પાપે માત્ર બે માસમાં રોડના ભુક્કા બોલી ગયા બાદ માત્ર રીપેર કરવાની ઔપચારિકતા કરવાની રહે છે ? આવા ઘણા સવાલો રોડ અને બિલ્ડીંગ શાખાની કામગીરી સામે ઉભા થાય છે.