વડોદરામાં ST-SC સમાજ દ્વારા અનામતના વિરોધમાં ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન, ‘જય ભીમ’ના નારા સાથે રેલી યોજાઇ

ગાંધીનગર ગૃહ ખાતે સમાજના લોકો ધજાઓ તેમજ પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં એકઠા થયા

MailVadodara.com - Protest-by-ST-SC-community-at-Gandhinagar-Griha-against-reservation-in-Vadodara

- એમ. જી. રોડ ઉપર દુકાનો બંધ કરાવતા સમયે ઘર્ષણના દૃશ્યો સર્જાયા, પોલીસે ઘર્ષણ ટાળ્યું

- સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર ગેરબંધારણીય આપેલા ચુકાદાનાે વિરોધ, સંવિધાનમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના કાયદાને કાયમ રાખવા માંગ


સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર ગેરબંધારણીય આપેલા ચુકાદાના વિરોધમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR) દ્વારા આજે 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન આપવામા આવ્યું છે. જેના સમર્થનમાં વડોદરા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે દેખાવો, સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે બાદ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ. જી. રોડ ઉપર દુકાનો બંધ કરાવવા બાબતે ઘર્ષણ થયું હતું. જોકે, પોલીસે દરમિયાનગીરી કરીને ઘર્ષણને ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ રાષ્ટ્રવ્યાપી બંધની ગુજરાતમાં મિશ્ર અસર જોવા મળી હતી. 


સુપ્રીમ કોર્ટ દ્વારા ST-SC ક્રિમિલિયર લાગૂ કરવાના આપેલા ચુકાદાના વિરોધમાં રાષ્ટ્રીય સંગઠન દ્વારા બુધવારે ‘ભારત બંધ’નું એલાન આપવામાં આવ્યું હતું. જેના વિરોધમાં સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિવિધ સંગઠનો દ્વારા દેખાવો, વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા પણ વડોદરામાં દેખાવો, સૂત્રોચ્ચાર અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ગૃહ ખાતે સમાજના લોકો ધજાઓ તેમજ પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પ્રચંડ વિરોધ કર્યો હતો. 


વડોદરાના ગાંધીનગર ગૃહ વિસ્તારથી નીકળેલી આ રેલી લહેરીપુરા દરવાજા થઈ એમ. જી. રોડ, માંડવી પરત એમ.જી. રોડ થઈ શહીદ ભગતસિંહ ચોક, પથ્થરગેટ બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ ખાતે જવા માટે નીકળી હતી. આ રેલીમાં સમાજના લોકો દ્વારા ‘જય ભીમ’ના નારા લગાવવામાં આવ્યા હતા તેમજ ચુકાદો પરત ખેંચવાના સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા. આ રેલી એમ.જી. રોડ ઉપર પસાર થઈ રહી હતી, તે દરમિયાન રેલીમાં જોડાયેલા કેટલાક યુવાનો દ્વારા દુકાનદારોને દુકાનો બંધ કરી સમર્થન આપવા માટે વિનંતી કરતા ઘર્ષણ થયું હતું. જોકે પોલીસની દરમિયાનગીરીથી ઘર્ષણ ટળી ગયું હતું. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના અગ્રણી ભરતભાઈએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા ST-SC ક્રિમિલિયર લાગુ કરવાના આપેલા ચુકાદાના વિરોધમાં આજે ભારત દેશ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના સમર્થનમાં આજે વડોદરા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના લોકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આ ચુકાદો ભારતીય બંધારણનું અપમાન છે. આ ચુકાદો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે તેઓએ ઉમેર્યું હતું કે આ લડત માત્ર એક સમાજની નથી. પરંતુ સમગ્ર દેશવાસીઓની છે. સમાજના લોકો પણ સમર્થન આપે તેવી અપીલ કરી હતી.


બીજી તરફ, ભારત બંધના એલાનને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જેમ કે, વિજયનગર, ભીલોડા અને દાંતામાં બજારો સ્વયંભૂ બંધ જોવા મળ્યા હતા, જ્યારે અમુક આદિવાસી વિસ્તારોમાં બજારો ખુલ્લા પણ હતા. ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં સમર્થન મળ્યું છે. ગુજરાતના દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, દાંતા, અરવલ્લી, નર્મદા, નવસારી, છોટા ઉદેપુર સહિતના જિલ્લા પણ આ બંધમાં જોડાયા છે. હડાદ, દાંતા, મંડાલી, ઇડર, ઉમરપાડા, સાબરકાંઠા,વ્યારા, સોનગઢ, ઉમરપાડા, વિજયનગર સહિત નર્મદા જિલ્લામાં પણ બંધની અસર જોવા મળી હતી. જો કે, અહીં પણ અનેક વિસ્તારોમાં બજારો અંશતઃ ખુલ્લા જોવા મળ્યા હતા. 

Share :

Leave a Comments