- પેટ્રોલિંગ દરમિયાન મંજુસર પોલીસે શંકાના આધારે ચોરોને દુમાડ પાસેથી ઝડપી પાડ્યાં
- ચોરીના સોના-ચાંદીના દાગીના, મોબાઇલ, બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત
શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં એક જ્વેલર્સ શોપમાં ચોરી કરીને પલાયન થયેલા તસ્કરો એક જ દિવસમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે ચાર તસ્કરો પાસેથી રૂપિયા 29 લાખની કિંમતના દાગીના રિકવર કરીને ગણતરીના કલાકોમાંજ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
મળેલી માહિતી પ્રમાણે, વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં મહારાષ્ટ્ર લોજની સામે ગોલ્ડ પોઇન્ટ નામની જ્વેલર્સ શોપ આવેલી છે. જે જવેલર્સ શોપમાં 22 તારીખની રાતથી 23 તારીખના સાંજના સમય સુધી તસ્કરોએ દુકાનની બારી તોડીને અંદર પ્રવેશી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ચોરી કરીને તસ્કરો મધરાત્રે દુમાડ ચોકડી પાસે આવેલી દરગાહ નજીક છુપાઈને બેઠા હતા.
આ દરમિયાન દુમાડ ચોકડી વિસ્તારમાં જિલ્લા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો અને વહેલી સવારે દુમાડ ચોકડી પાસેના દરગાહ પાસે બે શખ્સો બાઇક પર શંકાસ્પદ હાલતમાં ઊભા હતાં. જેથી પોલીસે બંનેને કોર્ડન કરી ઝડપી પાડયા હતાં અને તેમની પાસેના થેલામાં તપાસ કરતાં સોના-ચાંદીના દાગીનાનો મોટો જથ્થો જણાયો હતો. આ દાગીનાના બિલની માંગણી કરતાં તેઓની પાસે મળ્યા ન હતાં જેથી બંનેની ઝીણવટભરી પૂછપરછ કરતાં દાગીના ચોરીના હોવાની કબૂલાત કરી હતી.
બંનેએ જણાવ્યું હતું કે, અમે તેમજ અન્ય બે મિત્રો દેવાભાઇ રાવળ અને પ્રદિપ રાવળે દાંડિયાબજાર વિસ્તારમાં આવેલી ગોલ્ડ પોઇન્ટ નામની જવેલર્સ દુકાનમાંથી વહેલી સવારે દાગીનાની ચોરી કરી હતી. દુકાનના ગલ્લામાંથી મળેલી રોકડ દેવાભાઇ અને પ્રદિપ બંને લઇને જતા રહ્યા છે. બાદમાં પોલીસે દેવાભાઇ અને પ્રદિપને પણ ઝડપી પાડી આ અંગે રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ચારેય ચોરો પાસેથી સોનાના ૧૨ મંગળસૂત્ર, ૧૪ ચેન, ૨૦ પેન્ડન્ટ, મળી કુલ રૂા.૨૧.૨૫ લાખ કિંમતના ૪૦૫ નંગ દાગીના તેમજ ચાંદીના કડા ૧૮૪ નંગ, ચેન ૧૦૭, સિક્કા ૨૨ બ્રેસલેટ ૯૦ મળી કુલ રૂા.૭.૬૨ લાખ કિંમતના ચાંદીના ૧૦૪૪ નંગ દાગીના તેમજ અન્ય દાગીના, ત્રણ મોબાઇલ, એક બાઇક અને ચોરીના સાધનો મળી કુલ રૂા.૨૯.૫૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 22 તારીખના રાત્રિના સમયે ઝડપાયેલા તસ્કરોએ તે જ રાત્રે શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી ગોલ્ડ પોઈન્ટ જ્વેલર્સ શોપના બારીના સળિયા તોડીને અંદર પ્રવેશીને મોટી ચોરીને અંજામ આપ્યો હતો. જોકે, આ ઘટનામાં રાવપુરા પોલીસે 23 સપ્ટેમ્બરના રાતના 10:45 કલાકે જવેલર્સ શોપમાં ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધી હતી. જોકે જે પોલીસ મથક વિસ્તારમાં ચોરી થઈ હતી, ત્યાં પોલીસ ફરિયાદ નોંધાય તે પહેલા મંજુસર પોલીસે ચોરી કરનાર આરોપી સંજય રાવળ (રહે. ગળતેશ્વર, ખેડા), કિશન રાવળ (રહે. નવાપુરા આણંદ), દેવા રાવળ (રહે. ઇંટવાળ, ડેસર) અને પ્રદીપ પટેલ (રહે. અમરેશ્વર વાઘોડિયા)ને 100 ટકા મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. રાવપુરા પોલીસે પ્રાથમિક વિગતોના આધારે 14,08,000ની ચોરીની ફરિયાદ નોંધી હતી. જ્યારે મંજુસર પોલીસે તસ્કરો પાસેથી 100 ટકા મુદ્દામાલ તરીકે રૂપિયા 29,07,705 લાખના સોના-ચાંદીના દાગીના રિકવર કર્યા હતા.