વાઘોડિયાના આકડિયાપુરા ગામના લોકોએ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીને ચોર સમજી માર મારતા હાથમાં ફ્રેક્ચર, ICUમાં દાખલ

પાપુઆ ન્યુ ગીનીનો વતની પાયો એરીક પારૂલ યુનિવર્સટિમાં BSC ન્યુરોલોજી અભ્યાસ કરે છે

MailVadodara.com - People-of-Akdiapura-village-of-Waghodia-beat-a-student-of-Parul-University-as-a-thief-and-fractured-his-arm

- મિત્રની સાઇકલ લઈને ફરવા નીકળેલો પાયો એરીક આકડિયાપુરા ગામ તરફ પહોંચી ગયો હતો, આ દરમિયાન ગ્રામજનોએ યુવાન ચોર હોવાનું અનુમાન લગાવી ઢોર માર માર્યો હતો

- બનાવ અંગે પાયો એરીકે વાઘોડિયા પોલીસ મથકમાં 15 જેટલા હુમલાખોરો સામે ફરિયાદ

વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિત વિવિધ તાલુકામાં ટેમ્પો અને ઇકો કારમાં ચોર ટોળકી ફરી રહી છે અને લોકોને માર મારી ચોરી, લૂંટ ચલાવી રહ્યા હોવાની જોરદાર અફવાઓ ચાલી રહી છે. આ અફવાઓ વચ્ચે ભયના ઓથાર નીચે આવી ગયેલા ગામ લોકોએ પોલીસ ઉપર ભરોસો ન રાખતાં રાત્રે ફેરણી શરૂ કરી દીધી છે. જો કે, આકડિયાપુરા ગામના લોકોએ પારૂલ યુનિવર્સિટીમાં ન્યુરોલોજીમાં અભ્યાસ કરતા પાપુઆ ન્યુ ગીનીના વિદ્યાર્થીને ચોર સમજી ઢોર માર મારતાં ચકચાર મચી ગઈ છે. ગામ લોકોના જીવલેણ હુમલાનો ભોગ બનેલા વિદ્યાર્થીને પારૂલ હોસ્પિટલમાં ICUમાં સારવાર આપવામાં આવી રહી છે. હુમલામાં વિદ્યાર્થીને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથકમાં 15 જેટલા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઇ છે.

ગ્રામજનોની ગેરસમજના કારણે રવિવારે વાઘોડિયા તાલુકાના ગુગલિયાપુરા D-3, શુભ પ્લાઝમા રહેતો અને પારૂલ યુનિવર્સિટીમાં BSC ન્યુરોલોજીમાં અભ્યાસ કરતો અને પાપુઆ ન્યુ ગીનીનો વતની 20 વર્ષીય પાયો એરીક રવિવારની રજા હોવાથી મિત્રની સાઇકલ લઈને વાઘોડિયા ફરવા નિકળ્યો હતો. ફરતા ફરતા આકડિયાપુરા ગામ તરફ નીકળી ગયો હતો. દરમિયાન ચોરોને પકડવાની ફિરાકમાં ફરતા આકડિયાપુરા ગામના લોકોને વિદ્યાર્થી પાયો એરીક ચોર જેવો દેખાતા તેનું નામ પૂછ્યું હતું. વિદેશી વિદ્યાર્થી પાયોને ગુજરાતી આવડતું ન હોવાથી તે અંગ્રેજીમાં વાત કરતાં ગ્રામજનોએ આ યુવાન ચોર હોવાનું અનુમાન લગાવી ઢોર માર માર્યો હતો.

ગામ લોકો વિદેશી વિદ્યાર્થી પાયો એરીકને માર મારી રહ્યા હતા. આ દરમિયાન પારૂલ યુનિવર્સિટીના પ્રોફેસર છાયંકાબેન આવી જતાં વિદ્યાર્થીને ગામ લોકોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. આ સાથે પ્રોફેસરે યુનિવર્સિટીના સિક્યોરિટી ઓફિસર એમ.પી. સિંઘને જાણ કરતાં તેઓ પણ રોહિત કુમાર અને પી.સી. બાબુ પણ દોડી આવ્યા હતાં. અને ઇજાગ્રસ્ત પાયોને પારૂલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જીવલેણ હુમલામાં વિદ્યાર્થીના ડાબા કાંડામાં ફ્રેક્ચર થઈ ગયું છે. હાલ તેણે ICUમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ બનાવ અંગે ઇજાગ્રસ્ત પાયો એરીકે વાઘોડિયા પોલીસ મથકમાં આકડિયાપુરા ગામના મહેશ મથુરભાઈ પરમાર, જગદીશ અંબાલાલ પરમાર, સુનિલ મણીલાલ વસાવા અને રાહુલ મણિલાલ વસાવા સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ કરી રહેલા પીએસઆઇ એચ.વી. ગુજરાતીએ જણાવ્યું હતું કે, પોલીસ હુમલાખોરોની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે, ચોર ટોળકીની દહેશતના કારણે વાઘોડીયા જીઆઇડીસીમાં સેકન્ડ શિફ્ટમાંથી છૂટતા લોકો ભય વચ્ચે ઘરે જઈ રહ્યા છે. રોડ-રસ્તા તેમજ સોસાયટીમાં હથિયારો સાથે લોકો નીકળી પડે છે. કેટલાક ગામોમાં મકાનો પર પથ્થર પડવાની વાતો ફેલાઇ રહી છે. વરસતા વરસાદમાં પણ ચોરના ભય સામે લોકો પોતે પોતાના વિસ્તારમાં ઉજાગરા કરી રહ્યા છે.

Share :

Leave a Comments