- હડતાળમાં તમામ કર્મચારીઓએ કામગીરીથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો, હડતાળથી અજાણ લોકોને ધક્કો ખાવો પડ્યો
આજથી ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-3ના કર્મચારી મંડળ (રાજ્યકક્ષા) દ્વારા કર્મચારીઓની બાકી પડતર માંગણીઓને લઇને એસ.એલ.આર. કચેરી, ડી.આઇ.એલ.આર કચેરી તથા સિટી સર્વે કચેરીના તમામ કર્મચારીઓ દ્વારા 31 જુલાઇ સુધી પેન ડાઉન હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જે હડતાળમાં તમામ કર્મીઓ કામગીરીથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિવિધ કચેરીઓમાં આ અંગેની નોટીસ પણ લગાડવામાં આવી છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-3ના કર્મચારી મંડળ (રાજ્યકક્ષા) દ્વારા કર્મચારીઓની બાકી પડતર માંગણીઓને લઇને 31, જુલાઇ સુધી પેનડાઉન હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એસ.એલ.આર. કચેરી, ડી.આઇ.એલ.આર કચેરી તથા સિટી સર્વે કચેરીના તમામ કર્મચારીઓ કામગીરીથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. મોટાભાગની જગ્યાઓ પર ખાલી ખુરશીઓ જોવા મળી રહી છે. હડતાળથી અજાણ લોકોને ધક્કો પડ્યો હતો. રોજ વિવિધ કામ માટે આવતા લોકોથી ધમધમતી કચેરીઓમાં સન્નાટો જોવા મળ્યો હતો.
વડોદરા લેન્ડ રેકર્ડના પ્રમુખ મનહરભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, અમારી છેલ્લા કેટલાક વર્ષોથી પડતર માંગણીઓને લેખિત મૌખિક લડત ચાલી રહી છે. પરંતુ આ લડતથી કોઇ નિરાકરણ ન આવતા આખરે અમારે હડતાળનું શસ્ત્ર ઉગામવાનો વખત આવ્યો છે. અમોને પે ગ્રેડ રૂપિયા 4400ના બદલે રૂપિયા 2800 આપવામાં આવે છે. અમે તો અન્ય વિભાગ જેટલું કામ કરવા છતાં અમોને પે ગ્રેડમાં અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જિલ્લા બહાર સર્વેની કામગીરી સોપવામાં આવે છે. અને તે સામે કોઇ ભથ્થું આપવામાં આવતું નથી. આવી અનેક માંગણીઓને લઈ હડતાળ ઉપર ઉતર્યા છે.
વિરોધ કરનાર મહિલા કર્મચારી રાધિકાબેને જણાવ્યુ હતુ કે, અમારા મુખ્ય મુદ્દા, અમારી કચેરીના સ્ટાફને કામ માટે અન્ય જિલ્લાઓમાં મોકલવામાં આવે છે, તેમ ન થવું જોઇએ. તથા ગ્રેડ પે ઓછો આપવામાં આવે છે, તે વધારવામાં આવે અને કર્મચારીઓને કામગીરીનો જે સ્કેલ નક્કી કરવામાં આવ્યો છે, તેના કરતા વધારે કામગીરી સોંપવામાં આવે છે. કામગીરી સ્કેલ પ્રમાણે સોંપવામાં આવે તેવી અમારી માગ છે. આ મુદ્દાઓને લઇને અમે હડતાળ પાડી છે. કર્મચારીઓની લાગણીનો અસંતોષ થતા આજે આ પગલું ભરવું પડયું છે. અહિંયા અકોટા કચેરી ખાતે માપણી, પ્રોપર્ટી કાર્ડની તમામ કામગીરી, વારસાઇ અને વેચાણ નોંધ સહિતની કામગીરી કરવામાં આવે છે.
અન્ય મહિલા કર્મચારીએ જણાવ્યુ હતું કે, રાધિકાબેને જણાવ્યું તેમ અમે તમામ હડતાળને સમર્થ આપી રહ્યા છે. આ સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ-1ની કચેરી છે. લેન્ડ રેકર્ડ ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે પેનડાઉન વિરોધ જારી છે.