વડોદરાના ઉંડેરા રોડ પર હાઇટેન્શન વીજ લાઇનને સીડી અડી જતાં બે શ્રમિકો પૈકી 1નું સ્થળ પર મોત

11 હજાર કિલો વોટ પાવરની લાઇનને સીડી અડી જતા વીજ કરંટ લાગ્યો હતો

MailVadodara.com - One-of-the-two-laborers-died-on-the-spot-when-a-ladder-fell-on-a-high-tension-power-line-on-Undera-Road-in-Vadodara

- અન્ય શ્રમિકની હાલત ગંભીર હોવાથી ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયો

- વીજ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક વીજ લાઈનનો પુરવઠો બંધ કર્યો


વડોદરાના ઉંડેરા રોડ પર આવેલ પેટ્રોલપંપ પાસે બે શ્રમિકોને વીજ કરંટ લાગતા એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે એક શ્રમિકની હાલત ગંભીર હોવાથી ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ શ્રમિકો સીડી લઇને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક 11 હજાર કિલો વોટ પાવરની લાઇનને સીડી અડી જતા વીજ કરંટ લાગ્યો હતો.


પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ઉંડેરા રોડ પર પેટ્રોલપંપ નજીક ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ઊંચી સીડી લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક 11 હજાર કિલો વોટની વીજ લાઈન સાથે સીડી ટચ થતા જ બ્રિજેશ મદનભાઈ યાદવનું મોત નિપજ્યું હતું, જ્યારે બહારણ જગુભાઈ ચૌહાણની હાલત ગંભીર હોવાથી ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.


આ બનાવને લઇ વીજ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વીજ લાઈનનો પુરવઠો બંધ કર્યો હતો. આ બનાવ અંગે કોયલી MGVCLના ડેપ્યુટી એન્જિનિયર એમ.વી.ચૌહાણે જણાવ્યું હતું કે, સવારે પોણા અગિયાર વાગ્યાની આસપાસ અમારા ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટને જાણકારી મળી હતી કે બે વ્યક્તિને કરંટ લાગ્યો છે અને રિલાયન્સના ગ્રાઉન્ડની અંદર આ અકસ્માત સર્જાયો છે. આ બાબતે જાણકારી મળતાની સાથે અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાઇવેટ રિલાયન્સ ગ્રાઉન્ડની અંદર કામગીરી દરમિયાન તેઓના માણસો એલ્યુમિનિયમની હાઈસીડી લઈ પસાર થતા આ અકસ્માત સર્જાયો હતો. આ બાબતે જેતે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરાશે. હાલમાં અમારા તરફથી પંચનામાની કામગીરી કરવામાં આવી


આ અંગે જવાહરનગર પોલીસ મથકના પી.આઇ એમ.એન.શેખે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બનાવ ઉંડેરા વિસ્તારમાં બન્યો છે. જ્યાં સીએનજી પંપની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન બ્રિજેશ મદનભાઈ યાદવ (ઉંમર વર્ષ 25, મૂળ રહે, ધાના થાના, તાલુકો મદબની, બિહાર) કે જેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે. જ્યારે બહારણ જગુભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 50, રહે. ઊંડેરા)ને ગંભીર ઇજાઓ થતા હાલમાં ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. આ બંને શ્રમિકો કામગીરી ચાલી રહી હતી, તેની આસપાસ રહેતા હતા. હાલમાં પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments