- નાણાં પરત માંગતા NRI મિત્ર અને તેના ભાગીદારોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી
વડોદરા જિલ્લાના પાદરામાં NRI મિત્રએ કોલેજના મિત્ર સાથે ગ્લાયસીન બનાવવાની કેમિકલ કંપની શરૂ કરી હતી. દરમિયાન એન.આર.આઇ. મિત્રએ અન્ય બે ભાગીદાર સાથે મળી કોલેજના મિત્ર પાસે બેંકમાંથી રૂપિયા 5.25 કરોડની લોન લેવડાવી હતી અને તે નાણાં એકાઉન્ટમાં જમા કરાવી ચાઉં કરી ગયો હતો. નાણાં પરત માંગતા એનઆરઆઇ મિત્ર અને તેના ભાગીદારોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે છેતરપિંડીનો ભોગ બનેલા મિત્રએ NRI મિત્ર સહિત ત્રણ સામે વડું પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વડુ પોલીસ મથકમાં જયેશચંદ્ર શાંતિલાલ અજયભારતી (રહે. સુર્યવિલા, વિનુકાકા માર્ગ, આણંદ)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ 7 વર્ષથી ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરે છે. તેમના કોલેજ કાળવા મિત્ર હિતેષભાઇ હર્ષદભાઈ પટેલ (હાલ રહે. અમેરિકા, ન્યુ જર્સી) તેમના સંપર્કમાં હતો. વર્ષ- 2016માં હિતેષભાઈ પટેલ ભારત આવ્યા હતા અને પાદરાના દુધવાડા ખાતે સ્ફીયર સ્પેશિયાલીટી કેમિકલ્સ પ્રા.લી. નામની કંપની શરૂ કરી હતી. જેમાં તેઓ ડાયરેક્ટર હતા. તે વખતે બંનેનો સંપર્ક થયો હતો અને ભાગીદારીમાં કંપની ઉભી કરીને ગ્લાયસીન કેમિકલ અમેરિકા એક્સપોર્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન તેમની દીકરી રવેચીને સાથે રાખીને સારી ફાર્માકેમ પ્રા. લી. નામની કંપની ખોલવામાં આવી હતી, જેની રજીસ્ટર્ડ ઓફિસ સુર્યવિલા આણંદ નામે રજીસ્ટર કરાવવામાં આવી હતી. કંપનીમાં ત્રણ શેર હોલ્ડર હતા. હિતેષભાઇ 98.99 ટકા, જયેશચંદ્ર 0.61 ટકા અને રવેચી 0.41 ટકા ના ભાગીદાર હતા. થોડા મહિનાઓ બાદ આણંદમાં માસિક રૂ. 40 હજાર ભાડાએ જગ્યા લેવામાં આવી હતી. ત્યારબાદ હિતેષભાઈ પટેલની માલિકીની સ્ફીયર સ્પેશિયાલિટી કેમિકલ્સ (પાદરા)ની 18 એકર જમીનમાં મેજોરીટી શેર હોલ્ડીંગ તેમનું હતું. બાદમાં તે પૈકી 9 એકર જમીનને વેચાણ દસ્તાવેજથી સારા ફાર્માકેમ પ્રા.લી.ના નામે કરી હતી અને કંપનીનું કામકાજ તે સ્થળે ચાલુ થયું હતું. સારી ફાર્માકેમ પ્રા. લી. માં મેજોરીટી શેર હોલ્ડર હિતેષભાઈ પટેલ પાસે હોવાથી કંપનીના ડાયરેક્ટર અને અધિકારીઓની નિમણૂંક કરી હતી. જેમાં સ્ફીયર સ્પેશિયાલિટી કેમિકલ પ્રા. લી. ના સ્વતંત્ર ડાયરેક્ટર રષેશ બળવંતરાય ઠાકરને સારી ફાર્માકેમ પ્રા. લી.માં સ્વતંત્ર ડાયરેક્ટર, કમલેશકુમાર અંબાલાલ પરમારને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર, રંજીતા કમલેશ પરમારને મુનીમજી તથા ઉજૈશ તૈરયાને ઓડિટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સારા ફામકિમ પ્રા. લી.માં વર્ષ 2021માં નિમણૂક કરવામાં આવી હતી. જો કે, ત્યાર બાદ જરૂરી પરવાનગી ન મળતા ગ્લાયસીનનું ઉપ્તાદન થઇ શક્યું નહોતું. ઉત્પાદનની જગ્યાએ ટ્રેડિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને અમેરિકામાં એક્સપોર્ટ કરીને ધંધો વિકસાવવાની દિશામાં વાતચીત આગળ વધી હતી. બાદમાં નાણાંની જરૂરીયાત પડતા હિતેષભાઈએ કહ્યું કે, મારી ભારત દેશમાં કોઇ મિલકત નથી. મને કોઇ બેંક લોન આપશે નહીં. બાદમાં ફરિયાદીએ પોતાનો બંગ્લો અને જમીન ગીરવે મૂકીને ઓવર ડ્રાફ્ટ લઇને રૂ. 5.25 કરોડની લોન મેળવી હતી. જેના નાણાં કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા. તે પૈકી રૂ. 2.30 કરોડ સ્ફીયર સ્પેશિયાલિટી કેમિકલ પ્રા. લી. ના ખાતામાં જમા કરાવ્યા હતા. તે અંગે કોઇ જાણ ન કરીને હર્ષદભાઈએ મનમાની કરી હતી.
આ દરમિયાન કંપની માટે ફરિયાદીએ લીધેલી વર્કિંગ કેપીટલની લોક પૈકીના રૂ. 2.30 કરોડ સ્ફીયર સ્પેશિયાલિટી કેમિકલ પ્રા. લી.માં ટ્રાન્સફર કર્યા હતા. જે કંપનીમાં ટ્રાન્સફર કરાયા તેના ખાતા ધારક હિતેષ પટેલ પોતે જ હતા. આ અંગે પણ ફરિયાદીને કોઇ જાણ કરવામાં આવી ન હતી. બાદમાં વર્ષ 2023માં અમેરિકાથી રૂ. 1.61 કરોડનો ગ્લાયસીનનો જથ્થો આયાત કર્યો હોવાનું જણાવ્યું હતું. જો કે, ભારતમાં અમેરિકા ગ્લાયસીનની નિકાસ કરતું નથી. છતાં ખોટી હકીકતો દર્શાવીને પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રૂ. 54.40 લાખ વિવિધ ટ્રાન્ઝેક્શન થકી અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
જે અંગે એકાઉન્ટન્ટને પૂછતા તેણે કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આખરે ફરિયાદીની સતત અવગણના કરવામાં આવતા રૂ. 5.25 કરોડની લોનનો દુરઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે પૂછપર…છ કરવા જતા ફરિયાદીની પુત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આખરે આ અંગે હિતેષભાઇ હર્ષદભાઇ પટેલ (મૂળ રહે. આણંદ, હાલ રહે. અમેરિકા સન્સ્ટોન), રષેશ બળવંતરાય ઠાકર (રહે. વિવેકાનંદ સોસાયટી, આણંદ, વિદ્યાનગર) અને કમલેશકુમાર અંબાલાલ પરમાર (રહે. વલ્લભ વિદ્યાનગર) સામે વડુ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.