- હાઇકોર્ટના કડક વલણ બાદ નમાલા શાસકોને જ્ઞાન લાધ્યું...
- ગંભીર બેદરકારીના બોલતા પુરાવા હોવા છતાં શાસકોએ અધિકારીઓને બચાવવા ધમપછાડા કર્યા..!
વડોદરા શહેરના માનવસર્જિત બોટકાંડમાં હાઇકોર્ટના કડક વલણ બાદ પાલિકાએ ત્રણ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. પોલીસ માટે ફરિયાદી બનેલા રાજેશ ચૌહાણ પાલિકાની તપાસમાં આરોપી બન્યા છે.
ગત જાન્યુઆરી માસની ૧૮ તારીખે હરણી ખાતે આવેલા તળાવમાં બોટ ઉંધી વળી જતાં ૧૨ બાળકો અને બે શિક્ષિકાઓના મોત નીપજ્યા હતા. માનવસર્જિત કાંડમાં પાલિકાએ અધિકારીઓને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. પાલિકાએ સમગ્ર બોટકાંડ માટે જવાબદાર કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણ ને ફરિયાદી બનાવ્યા હતા. જો કે હાઇકોર્ટે આ બનાવની ગંભીર નોંધ લેતા પાલિકા સામે સવાલો ઉઠાવ્યા હતા. હાઇકોર્ટના કડક વલણ બાદ પાલિકાએ ઘટના ના છ માસ બાદ રાજેશ ચૌહાણને કસૂરવાર ઠેરવ્યા છે. આ સિવાય અધિક મદદનીશ ઈજનેર જીગ્નેશ સાયણિયા અને હંગામી કાર્યપાલક ઈજનેર પરેશ પટેલના જવાબો બાદ તેમના વિરુદ્ધ પણ ખાતાકીય તપાસ કરવામાં આવી છે. કમિશનર તરફથી કાર્યવાહી કરવા માટે સત્તા આપવાની દરખાસ્ત સામાન્ય સભાની મંજૂરી અર્થે મોકલી આપવામાં આવી છે.
આખા રાજ્યને હચમચાવી દેનાર આ માનવસર્જિત બોટકાંડ માં રાજેશ ચૌહાણની બેદરકારી સામે આવી છે. રાજેશ ચૌહાણે સમયાંતરે ફિટનેસ, મેન્ટેનન્સ અને સલામતીના સાધનોનું સુપરવિઝન કરવાનું હતું જે થયું ન હતું. અહીં મહત્વનું એ છે કે રાજેશ ચૌહાણ સામે પગલાં લેવાની અન્ય એક દરખાસ્ત પણ રજુ કરવામાં આવી છે જેમાં પશ્ચિમ વિસ્તારમાં હદ બહાર જઈને આ મહાશયે બિલ્ડરને ફાયદો કરવા પાણીની લાઈન લંબાવી હતી. જેના કારણે પાલિકાને આર્થિક નુકસાન થયું હતું. અમે તમને એ પણ જણાવી દઈએ કે આ એજ રાજેશ ચૌહાણ છે, જેમણે રોડ પર માત્ર પટ્ટો પાડી તેને સાયકલ ટ્રેક માં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. સાયકલ ટ્રેક માટે પટ્ટો પાડી રૂપિયા ૫૨ લાખ ફૂંકી મરાયા હતા. આ સિવાય ભૂતકાળમાં શહેરને દુષિત પાણી પીવડાવવા માટે જવાબદાર ઠરેલા રાજેશ ચૌહાણ અને હાલના સીટી એન્જીનીયર અલ્પેશ મજમુંદાર જે તે સમયે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે ૨૦૨૧ માં આ બંને અધિકારીણે પરત નોકરીએ રાખવામાં આવ્યા હતા. આમ હંમેશા વિવાદમાં રહેતા રાજેશ ચૌહાણ સામે હવે સામાન્ય સભા શું કરે છે એ જોવાનું રહ્યું..