- વારંવાર રજૂઆત છતાં અધિકારીઓ સાંભળતા નથી અને નોટિસો આપે છે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા સામાજિક કાર્યકરની માંગ
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા વડોદરામાં વિવિધ વિસ્તારોમાં લાભાર્થીઓને મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમાં શહેરના તરસાલી સ્થિત હિંમતનગરના એલ.આઇ.જી.ના જર્જરિત થઇ ગયેલા આવાસોને પાલિકાએ નિર્ભયતાની નોટિસ આપી છે. જેને પગલે આજે હિંમતનગરના રહીશો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ રામધૂન પણ કરી હતી. આ ઉપરાંત નવા મકાનો બનાવી આપવાની માંગ કરી હતી.
વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસે હિંમતનગરમાં બનેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત થઈ ગયેલા આવાસોમાં સ્થાનિકો લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. જીવના જોખમે રહેતા લાભાર્થીઓ દ્વારા અનેક વખત જર્જરિત આવસો રિડેવલપ કરવા અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની તંત્રને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, તંત્ર દ્વારા આંખ આડા કાન કરી રહ્યું છે અને મોટી દુર્ઘટના બને તેની રાહ જોઇ રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકાએ આજે નિર્ભયતાની છેલ્લી નોટિસ આપતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપીને મકાન ફાળવવાની માંગ કરી હતી.
સ્થાનિક મહિલા સરોજબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે 25 વર્ષથી હિંમતનગરના મકાનોમાં રહીએ છીએ અને ઘણાં વર્ષોથી આ મકાનો જર્જરીત છે. પાલિકા દ્વારા અમને વારંવાર નોટિસ આપવામાં આવે છે પરંતુ નવા મકાનો આપવામાં આવતા નથી. જેથી આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવીને માંગણી કરીએ છીએ તેમને નવા મકાનો આપવામાં આવે પછી અમે મકાનો ખાલી કરીશું.
સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત ગ્રામ ગૃહ ગ્રામીણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા મકાનો ખૂબ જ જર્જરિત થઈ ગયા છે. આ મામલે મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી રજૂઆતો કરી છે, તેમ છતાં અધિકારીઓ સાંભળતા નથી અને અવારનવાર નોટિસો આપે છે, પરંતુ સ્થાનિકોને નવા મકાનોની ફાળવણી કરવામાં આવતી નથી, જેથી આજે અમે માંગણી કરીએ છીએ કે, જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ.