ટેમ્પોમાં ચોરખાનું બનાવી વડોદરા તરફ લવાતો 5 લાખનો દારૂ ઝડપાયો, ટેમ્પો ચાલકની ધરપકડ

તહેવારોની મોસમ શરૂ થતાં બુટલેગરો દારૂની રેલમછેલ કરવા સક્રિય

MailVadodara.com - Liquor-worth-5-lakhs-stolen-in-tempo-and-taken-to-Vadodara-seized-tempo-driver-arrested

- પેટ્રોલિંગ દરમિયાન બુટલેગરોની માહિતી મળતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હાઇ-વે ઉપર વોચ ગોઠવી હતી

તહેવારોની મોસમ શરૂ થતાં બુટલેગરો દારૂની રેલમછેલ કરવા સક્રિય થઇ ગયા છે. જોકે, પોલીસ તંત્ર બુટલેગરોના મનસુબા ઉપર પાણી ફેરવી રહી છે. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ટેમ્પોમાં ચોરખાનું બનાવી વડોદરા તરફ લવાતો રૂપિયા 5.18 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. કરજણ-વડોદરા હાઇ-વે ઉપરથી ઝડપાયેલા દારૂ સાથે પોલીસે ટેમ્પોચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


કરજણ-વડોદરા હાઇ-વે ઉપરથી ઝડપાયેલા 108 પેટી દારૂ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભુપતભાઇ, વિનોદસિંહ અને પ્રવિણસિંહ હાઇ-વે ઉપર પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન તેઓને માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશ પાસિંગના એક આઇસર ટેમ્પોમાં દારૂનો જથ્થો લઇ કરજણ થઇ વડોદરા તરફ આવી રહ્યો છે. જે માહિતીના આધારે કરજણ-વડોદરા ટ્રેક ઉપર પેટ્રોલપંપ પાસે વોચ ગોઠવી દીધી હતી.

પોલીસને મળેલી બાતમીવાળો ટેમ્પો આવતા તુરંત જ તેને અટકાવ્યો હતો. ટેમ્પોચાલકને નીચે ઉતારી ટેમ્પો અંદર કઇ વસ્તુ છે? તે અંગે પૂછતાં તેણે ગોળગોળ જવાબ આપ્યો હતો. પોલીસને શંકા જતાં ચાલકને સાથે રાખી તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં કંઇ મળી આવ્યું ન હતું પરંતુ, પોલીસ પાસે દારૂ અંગેની પાક્કી બાતમી હોવાથી ટેમ્પોમાં તપાસ કરતાં ટેમ્પોમાં મૂકેલા પાટીયા નીચેથી ચોરખાનું મળી આવ્યું હતું.

પી.આઇ. કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ચોરખાનામાં તપાસ કરતાં તેમાંથી 108 પેટી દારૂ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસને દારૂની પેટીઓમાંથી વિવિધ બ્રાન્ડની 5184 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા 5.18 લાખનો દારૂનો જથ્થો અને ટેમ્પો સહિતનો મુદામાલ મળી રૂપિયા 15,18,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે સાથે પોલીસે ટેમ્પો ચાલક જાવેદ હમીદ અબ્દુલ (શેખ) (રહે. મોતીબાગ મહોલ્લા, સેન્ધવા, બડવાની - મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ટેમ્પોચાલક જાવેદ હમીદની કડકાઇપૂર્વક પૂછપરછ કરતા ચાલકે જણાવ્યું હતું કે, વિદેશી દારૂનો જથ્થો મારા શેઠ, જેમને તે અંકલ તરીકે ઓળખે છે, તેણે ફોન કરીને મુંબઇના તલોજા વિસ્તારમાં આવેલી હોટલના પાર્કિંગમાં મુક્યો હોવાનું જણાવ્યું હતું. આ ટેમ્પો વડોદરા લઇ જવાનું પણ જણાવ્યું હતું. આ જથ્થો કોને આપવાનો હતો? તે અંગે તે જાણતો ન હોવાનું જણાવ્યું હતું. આ અંગે LCBએ ટેમ્પોચાલક સામે વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments