વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ગોવિંદ નગર વસાહત તોડ્યા બાદ ખુલ્લી જમીનમાં ડમ્પરો ભરીને રાત્રિના સમયે કાટમાળના ઢગલા કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં આ ખુલ્લી જમીનમા અંધારાનો લાભ લઇ કેટલાક અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે સાથે સાથે બુદ્ધદેવ કોલોનીમાં ચોરીના કિસ્સા પણ વધ્યા છે જેથી લોકોમાં રોષ વ્યાપ્યો છે.
કારેલીબાગ ગોવિંદ નગર વસાહતમાં કેટલાક ગૌપાલક પરિવારો રહેતા હતા તેની સાથે ગરીબ ઝૂંપડાવાસીઓ પણ વર્ષોથી રહેતા હતા તે જમીન ખુલ્લી કરાવવા માટે વડોદરા કોર્પોરેશનને થોડા વર્ષ પૂર્વે બુલડોઝર ફેરવી દીધું હતું અને ઝૂંપડાવવાસીઓને અન્ય વિસ્તારમાં ગરીબોની આવાસ યોજનામાં મકાનોની ફાળવણી કરી હતી ત્યારથી આ જમીન ખુલ્લી છે. આ જમીનનો ઉપયોગ વિશ્વામિત્રી રિવરફ્રન્ટ માટે કરવાનું પણ નક્કી થયું હતું.
હાલમાં આ ખુલ્લી જગ્યામાં વોકિંગ ટ્રેક પણ બનાવ્યો છે પરંતુ તેનો ઉપયોગ થઈ શકતો નથી રાત્રિના સમયે કેટલાક માથાભારે તત્વો પણ અહીં બેસીને દારૂની મહેફિલ માણતા હોય છે. એટલું જ નહીં દિવાલ કૂદીને બાજુની સોસાયટીમાં કેટલાક અસામાજિક તત્વો ચોરી કરીને ફરાર થઈ જતા હોય છે. તાજેતરમાં જ એક મકાનમાં રૂ.5 લાખની ચોરીનો કિસ્સો નોંધાયો હતો.
આજે સ્થાનિક રહીશોએ આ અંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ને રજૂઆત કરી ગોવિંદ નગરની ખુલ્લી જમીનમાં કાટમાળના ઢગલાં થઈ રહ્યા છે તે કોના દ્વારા થઈ રહ્યા છે તે અંગે તપાસ કરાવી અટકાવવા વિનંતી કરી છે. સાથે સાથે પોલીસને વિનંતી કરી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે.