300 કિમીની ઝડપે દોડતી બુલેટ ટ્રેનને ભૂકંપ કંપનથી સુરક્ષિત રાખવા જાપાની ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે

ધરતીકંપના પ્રથમ કંપન સાથે જ બુલેટ ટ્રેનનું પરિચાલન ઓટોમેટિક બંધ થઇ જશે

MailVadodara.com - Japanese-technology-will-be-used-to-protect-the-bullet-train-running-at-a-speed-of-300-km-from-earthquakes

- બુલેટ ટ્રેનના 508 કિ.મી.ના રૂટ પર મહારાષ્ટ્રમાં 8 અને ગુજરાતમાં 14 મળીને 22 સિસ્મોમીટર લાગશે, 6 મીટર ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં લાગશે


૩૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતી બુલેટ ટ્રેન ભૂકંપ વખતે પણ સુરક્ષિત રહે તે માટે જાપાની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. બુલેટ ટ્રેનના રૂટ પર સિસ્મોમીટર લગાવવામાં આવશે. જેના થકી ભુકંપના પ્રથમ કંપન વખતે જ બુલેટ ટ્રેનનું પરિચાલન ઓટોમેટિક બંધ થઇ જશે.

જાપાની શિંકનસેન ટેકનોલોજી પર આધારિત ભૂકંપ શોધ પ્રણાલી સિસ્ટમ ભૂકંપના પ્રાથમિક તરંગો-આંચકાઓને શોધી કાઢશે અને સિસ્મોમીટર તુરંત બુલેટ ટ્રેનના પાવર સપ્લાય હાઉસને સિગ્નલ મોકલશે, તે સાથે જ ઓટોમેટિક પાવર શટડાઉન પ્રક્રિયા શરૂ થઇ જશે. શટડાઉનના સિગ્નલ બુલેટ ટ્રેન સુધી પહોંચતા જ આકસ્મિક બ્રેક્સ (ઇમરજન્સી બ્રેક્સ) સક્રિય થશે અને અસરગ્રસ્ત વિસ્તારમાં દોડતી બુલેટ ટ્રેનો બંધ થઈ જશે.


અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનના ૫૦૮ કિ.મી.ના રૂટ પર કુલ ૨૮ સિસ્મોમીટર લગાવવાની યોજના છે. જેમાં ૨૨ સિસ્મોમીટરને એલાઇનમેન્ટ સાથે ઇન્સ્ટોલ કરવામાં આવશે. જે પૈકી ૮ મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, વિરાર અને બોઈસર સ્ટેશન નજીક જ્યારે ૧૪ ગુજરાતના વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાવાદ અને અમદાવાદ સ્ટેશન નજીક લાગશે.


બાકીના ૬ સિસ્મોમીટર (જેને આંતરિક સિસ્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે) નજીકના ધરતીકંપની શક્યતા ધરાવતા વિસ્તારો - જેવા કે મહારાષ્ટ્રના ઘેડ, રત્નાગિરિ, લાતુર અને પાંગરી અને ગુજરાતના આડેસર અને જૂના ભુજમાં સ્થાપિત કરવામાં આવશે.આ એવા વિસ્તારો છે  કે જ્યાં છેલ્લા ૧૦૦ વર્ષમાં ૫.૫ થી વધુ તીવ્રતાના ધરતીકંપો આવ્યા છે, ત્યાં જાપાનના નિષ્ણાતો દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. સૂક્ષ્મ કંપન પરીક્ષણ દ્વારા વિગતવાર સર્વેક્ષણ અને માટીની યોગ્યતાના અભ્યાસ પછી ઉપરોક્ત સ્થળોની પસંદગી કરવામાં આવી હતી.

Share :

Leave a Comments