- ભેજાબાજોએ બનાવટી જોબ ઓફર લેટર અને નોમિનેશન લેટર પણ વેપારીને મોકલ્યા હતા
વડોદરામાં 4 ભેજાબાજોએ દંપતીને કેનેડા મોકલવાના નામે બનાવટી જોબ ઓફર લેટર અને નોમિનેશન લેટર આપીને વેપારી પાસેથી 40.30 લાખ રૂપિયા પડાવ્યા હતા અને કેનેડા ન મોકલીને છેતરપિંડી આચરી હતી. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં રહેતા વેપારી ચિરાગ મહેન્દ્રકુમાર પટેલે અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું વલ્લભ વિદ્યાનગર ખાતે બાકરોલ રોડ પર આવેલા આર.સી. કોમ્પલેક્ષમાં ત્રીજા માળે ફિટનેસ ક્લબ નામનું જીમ ચલાવું છું. વર્ષ-2022માં હું વડોદરામાં અલકાપુરી પ્રોડક્ટિવિટી રોડ કૈલાશ કોમ્પલેક્ષ FF9માં ગયો હતો અને આર.એમ. ઈમીગ્રેશનના માલિક રોનક સુનીલકુમાર શાહ અને તેઓના ભાગીદાર મિત વિમલકુમાર પાઠકને 2 ફેબ્રુઆરી-2022ના તેમની ઓફિસમાં મળ્યો હતો અને તેઓને મેં વિદેશ જવાની ઈચ્છા જણાવી હતી.
તેઓએ મને જણાવ્યું હતું કે, તમે એકલા જાવ છો, તેના કરતા ફેમિલી સાથે કેનેડામાં કાયમી વસવાટ કરો, તે પ્રમાણેનું કામ કરી આપીશું. જેથી 65 હજાર કેનેડીયન ડોલર એટલે કે અંદાજે 40.30 લાખ રૂપિયાનો ખર્ચ થશે. ત્યારબાદ તેઓએ માગ્યા મુજબના દસ્તાવેજો મેં તેઓને આપ્યા હતા, જેથી કાર્યવાહી શરૂ કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે, નોમીનેશન લેટર આવશે ત્યારે 65 હજાર કેનેડીયન ડોલર આપવાના રહેશે.
ત્યારબાદ 4 જુલાઇ-2022ના રોજ તેઓએ મને અને મારી પત્ની દિપાલીના નામનો જોબ ઓફર લેટર આપ્યો હતો અને થોડા સમયમાં બાદ મારી પત્નીના નામનો નોમીનેશન લેટર પણ આવી ગયો હોવાનુ જણાવ્યું હતું અને તેઓએ કહ્યું હતું કે, આ 65 હજાર કેનેડિયન ડોલર જો રૂપિયામાં અહીંયા ચુકવશો તો અંદાજે એક ડોલરે બે રૂપિયાનું કમિશન ચુકવવાનું રહેશે અને જો કેનેડામાં ડાયરેક્ટ ચુકવશો તો ફક્ત 65 હજાર કેનેડિયન ડોલર જ ચુકવવાના રહેશે.
જેથી તેઓએ કેનેડામાં સ્થિત તેઓના ઉપરી એજન્ટ એટલે કે અમદાવાદ સ્થિત યુ.સી.આઈ. ઈમિગ્રેશન નામની કંપનીના બે ભાગીદારો કૌશલ પટેલ (રહે. કેનેડા અને ગૌરવ પટેલ (રહે. અમદાવાદ) પૈકી કૌશલ પટેલને 65 હજાર કેનેડીયન ડોલર આપી દેવા જણાવ્યું હતું. જેથી, અમારા એક કેનેડિયન પરિચિત નેહલ પટેલે અમારા કહેવાથી 29 જુલાઇ-2022ના રોજ આ કૌશલ પટેલને કેનેડામાં હાથોહાથ 30 હજાર કેનેડિયન ડોલર રોકડા આપ્યા હતા. જેથી કૌશલ પટેલે 30 હજાર કેનેડિયન ડોલર મળી ગયા બાબતે રોનક શાહને મેસેજ કર્યો હતો અને તે મેસેજ રોનક શાહે મને ફોરવર્ડ કર્યો હતો.
ત્યારબાદ બાકીના 35 હજાર કેનેડિયન ડોલરની માંગણી તેઓ કરી હતી. જેથી, મેં તેઓ પાસે સમય માગ્યો હતો અને 4 ઓગસ્ટ-2022ના રોજ નોમિનેશન લેટરની કાર્યવાહી ચાલુ રાખવા સારૂ અને નોમિનેશન લેટર કેન્સલ ના થાય તે માટે રોનક શાહ અને મિત પાઠક બાકીની રકમ લેવા માટે આણંદ વિદ્યાનગર ખાતે મારા જીમ પર આવ્યા હતા અને કહ્યું હતું કે, બાકીના રૂપિયા રોકડા કરી આપો, જેથી તે પૈસા તેઓની ઉપરી ઈમિગ્રેશન કંપની યુ.સી.આઈ. ઈમિગ્રેશનના ભાગીદાર ગૌરવ પટેલને ચુકવી શકે. જેથી, મેં અમારી કાર વેચીને તથા અમારી બચતના અને સબંધીઓ પાસેથી ઉછીના મેળવેલા 10 લાખ રૂપિયા રોકડા રોનક શાહને મિત પાઠકની હાજરીમાં આપ્યા હતા. ત્યારબાદ ટૂકડે-ટૂકડે કુલ 40.30 લાખ રૂપિયા મેં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ 13 જાન્યુઆરી, 2023ના જ મારી પત્નીનો કેનેડાનો UCI નંબર (યુનિક ક્લાઈન્ટ આઈ.ડી. નંબર) જનરેટ થયેલ હોવા અંગે રોનક શાહે જણાવ્યું હતું. ત્યારબાદ ક્વેરી આવતા કેનેડા સ્ટેટ ગવર્મેન્ટે અમારી ફાઈલને બે વર્ષ માટે પ્રતિબંધિત કરી છે. ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે, આર.એમ. ઈમીગ્રેશન પાસે વિદેશ મોકલવા માટેનું ઈમિગ્રેશન કરવા માટેની કાર્યવાહીનું કાયદેસરનું લાયસન્સ નથી. તેઓએ અમને કેનેડામાં બીજે કોઈ ઠેકાણે મોકલી આપશે તેવો દિલાસો આપ્યો હતો.
નવો જોબ ઓફર લેટર નવો નોમિનેશન લેટર અને રોનક શાહના નામનું ઈમીગ્રેશનનુ ટ્રેનિંગ સર્ટીફીકેટ ICCRC (Immigration Consultants of Canada Regulatory Council)ના લાયસન્સની કોપી વ્હોટ્સએપથી રોનક શાહે મોકલી હતી, જે બાબતે મેં કેનેડા સ્થિત મારા ઓળખીતા ઘરતીબેન પટેલને ખાતરી કરવા જણાવ્યું હતું. જેથી તેઓએ આ બાબતે કેનેડામાં તપાસ કરતા ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ બનાવટી હોવાનું મને જણવ્યું હતું. જેથી મેં આ મામલે રોનક શાહ (રહે. મીરા સોસાયટી, હરણી રોડ, વડોદરા), મિત પાઠક (રહે.આદિત્ય હાઇટ્સ, વાઘોડિયા રોડ, વડોદરા), ગૌરવ પટેલ (રહે.અક્ષર પ્રથમ, ગોતા, અમદાવાદ) અને કૌશલ શાહ (હાલ રહે. કેનેડા) સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.